Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Psalms 140 guj

Side by side with the Father's Heart Bible™

1હે યહોવાહ, દુષ્ટ માણસોથી મને છોડાવો;જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.

2તેઓ પોતાની દુષ્ટ યોજનાઓ ઘડે છે;તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે.

3તેઓએ પોતાની જીભ સાપના જેવી તીક્ષ્ણ બનાવી છે;તેઓની જીભની નીચે નાગનું વિષ છે. સેલાહ

4હે યહોવાહ, દુષ્ટોના હાથમાંથી મને બચાવો;જેઓએ મને નુકસાન પહોંચાડવાની યોજના કરી છે;એવા જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.

5ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે;તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિછાવી છે;મારે માટે ફાંસા ગોઠવ્યા છે. સેલાહ

6મેં યહોવાહને કહ્યું, "તમે મારા ઈશ્વર છો;મારી આજીજી સાંભળો."

7હે યહોવાહ, મારા પ્રભુ, તમે મારા ઉદ્ધારના સામર્થ્ય છો;યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.

8હે યહોવાહ, તમે દુષ્ટોની ઇચ્છા પૂરી ન કરો;તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ. સેલાહ

9મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે;તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો.

10ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો;તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે;એવા ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે કે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ."

11ખોટું બોલનારાઓને પૃથ્વીમાં રહેવા દેશો નહિ;જુલમગાર માણસને ઉથલાવી પાડવાને દુષ્ટતા તેની પાછળ પડી રહેશે.

12હું જાણું છું કે યહોવાહ તો દુઃખીની દાદ સાંભળશેઅને ગરીબોનો હક જાળવશે.

13નિશ્ચે ન્યાયી માણસ યહોવાહના નામનો આભાર માનશે;યથાર્થ મનુષ્યો તમારી સમક્ષતામાં જીવશે.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]