Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

John 12 OGCB

Side by side with the Father's Heart Bible™

બેથાનિયામાં ઈસુનો અભિષેક

1પાસ્ખાપર્વના છ દિવસ પહેલાં ઈસુ બેથાનિયામાં આવ્યા, જયાં લાઝરસ રહેતો હતો જેને ઈસુએ મરણમાંથી સજીવન કર્યા હતો. 2અહીં ઈસુના માનમાં ભોજન આપવામાં આવ્યું હતું. માર્થા સરભરા કરતી હતી, જયારે લાઝરસ તેમની સાથે જમવા બેઠો હતો. 3તે સમયે મરિયમે આશરે અડધો કિલો અતિમૂલ્યવાન અત્તર લાવીને ઈસુના પગ પર રેડયું, અને પોતાના વાળથી તેમના પગ લૂંછયા, અને આખું ઘર અત્તરની સુગંધથી મહેકી ઉઠયુ.

4પરંતુ તેમનો એક શિષ્ય યહૂદા ઈશ્કારિએત, જે તેમને પછીથી પરસ્વાધીન કરાવવાનો હતો, તેણે વાંધો ઉઠાવ્યો, 5“આ અત્તર વેચીને તેના પૈસા ગરીબોને કેમ આપવામાં ન આવ્યા? તે એક વરસના પગાર જેટલું હતું.” 6તેને ગરીબોની ચિંત્તા હતી માટે એમ કહ્યું ન હતું. પણ તે ચોર હતો; અને પૈસાની થેલી રાખતો હતો, અને તેમાં જે નાંખવામાં આવતું તેમાંથી તે પોતાને માટે વાપરતો હતો.

7ઈસુએ જવાબ, “એને એકલી રહેવા દો. તેણે મારા દફન કરવાના દિવસને સારું એ અત્તર રાખવું જોઈતું હતું. 8ગરીબો હંમેશાં તમારી સાથે છે. પણ હું હંમેશા તમારી સાથે નથી.”

9તે દરમિયાન યહૂદીયામાંના મોટા ટોળાને ખબર પડી કે ઈસુ ત્યાં આવ્યા છે ત્યારે તેઓ ફકત તેમને નહિ, પણ મરણમાંથી સજીવન થયેલ લાઝરસને જોવા આવ્યા. 10ત્યારે મુખ્ય યાજકોએ લાઝરસને મારી નાખવાની યોજના કરી, 11કેમકે તેને લીધે ઘણાં યહૂદીઓ ઈસુ પાસે ચાલ્યા ગયા; અને તેમનાં પર વિશ્વાસ કયોઁ.

ઈસુ રાજા તરીકે યરુશાલેમમાં આવે છે

12બીજે દિવસે પવઁમા આવેલા ટોળાએ સાંભળ્યું કે ઈસુ યરુશાલેમ આવી રહ્યા છે. 13તેઓએ ખજૂરીની ડાળીઓ લઈને તેમને મળવા બહાર ગયા, અને બૂમ પાડી,“હોસાન્ના!”“પ્રભુને નામે જે આવે છે તેમને ધન્ય હો!”“ઇઝરાયેલના રાજા સ્તુત્ય હો!”

14ઈસુને એક ગધેડાનો વછેરો મળી આવ્યો, અને તેના પર તેઓ બેઠાં, જેમ લખેલું છે તેમ:

15“સિયોનની દિકરી બીશ નહિ,જુઓ, ગધેડાના ખોલકા પર સવારી કરીને, તમારો રાજા આવે છે.”

16પહેલાં તો તેમના શિષ્યો આ બધું સમજયા નહિ, ઈસુ મહિમાવાન થયા પછી જ તેઓને સમજાયું કે આ બાબતો તેમના વિશે લખવામાં આવી છે અને આ બાબતો તેમના માટે કરવામાં આવી રહી છે.

17હવે જે ટોળું તેમની સાથે હતું જયારે તેમણે લાઝરસને કબરમાંથી બોલાવ્યો અને મરણમાંથી સજીવન કર્યાં તેઓએ સાક્ષી ફેલાવવાનું ચાલુ રાખ્યું. 18કારણ કે ઘણાં લોકોએ સાંભળ્યું હતું કે તેમણે ઘણાં ચમત્કાર કયાઁ હતા તેથી તેમને મળવા બહાર ગયા. 19તે માટે ફરોશીઓએ એકબીજાને કહ્યું, “જુઓ, આપણું કાંઈ વળતું નથી. જુઓ, આખું જગત કેવું તેની પાછળ ગયું છે!”

ઈસુ તેમના મરણની આગાહી કરે છે

20હવે પર્વમાં જેઓ ભજન કરવા આવ્યા હતાં તેઓમાં કેટલાક ગ્રીક લોકો હતા. 21તેઓ ફિલિપ પાસે આવ્યા જે ગાલીલના બેથસૈદાનો હતો, તેને વિનંતી કરી. “સાહેબ! તેઓએ કહ્યું અમે ઈસુને જોવા ચાહીએ છીએ.” 22ફિલિપ આન્દ્રિયાને કહેવા ગયો; આંદ્રિયા અને ફિલિપે વારા ફરથી ઈસુને કહ્યું.

23ઈસુએ જવાબ આપ્યો, “માણસના દીકરાને મહિમાવાન થવાનો સમય આવ્યો છે. 24હું સાચે જ કહું છું, જયાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી નહિ જાય, તે એકલું જ બી રહે છે. પણ જો તે મરી જાય, તો તે ઘણાં બી ઉપજે છે. 25જે કોઇ પોતાના જીવ પર પ્રીતિ રાખે છે તે તને ગુમાવે છે, વળી જે કોઇ આ જગતમાં પોતના જીવ નો દ્ગે્ષ કરે છે તે તેને અનંતજીવન માટે રાખશે. 26જે કોઈ મારી સેવા કરતો હોય તો મારી પાછળ ચાલે; અને હું જયાં છું, ત્યાં મારો સેવક પણ હશે. જે મારી સેવા કરે છે તેને મારા પિતા માન આપશે.

27“હવે મારો જીવ વ્યાકુળ થઈ રહ્યો છે. અને હું શું કહું? ‘હે પિતા, મને આ સમયથી બચાવો?’ ના, એ જ કારણને લીધે તો હું આ સમય સુધી આવ્યો છું. 28હે પિતા, તમારાં નામનો મહિમા થાવ.” ત્યારે સ્વર્ગમાંથી એક અવાજ આવ્યો, “મેં તેને મહિમા આપ્યો છે, અને ફરીથી તેને મહિમા આપીશ.”

29જે ટોળું ત્યાં હતું તેઓએ એ સાંભળ્યું ને કહ્યું, “ગર્જના થઈ!” પણ બીજાઓએ કહ્યું, “કે દૂતે તેમની સાથે વાત કરી.”

30ઈસુએ કહ્યું, “એ વાણી તમારે માટે હતી, મારા માટે નહિ. 31હવે આ જગત પર ન્યાયનો સમય આવી ચૂકયો છે. હવે આ જગતના રાજાને કાઢી નાંખવામાં આવશે. 32અને મને, જયારે પૃથ્વી પર ઊંચો કરવામાં આવશે, ત્યારે હું બધાં લોકોને મારી તરફ ખેંચીશ.” 33પોતે કેવી રીતે મરણ પામવાનાં છે તે દર્શાવવા ઈસુએ આ કહ્યું.

34ટોળું બોલી ઉઠયું, “મસીહ સદા રહેશે, એવું અમે શાસ્ત્રમાંથી સાંભળ્યું છે, તો માણસનો દીકરો ઊંચો કરાવો જોઈએ, એવુ તમે કેમ કહો છો? આ માણસનો દીકરો કોણ છે?”

35ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હવે થોડીવાર સુધી તમારી પાસે પ્રકાશ હશે. જયાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી ચાલો, રખેને તમારા પર અંધકાર આવી પડે. જે કોઇ અંધકારમાં ચાલે છે તેઓ કયાં જાય છે તે જાણતાં નથી. 36જયાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશમાં વિશ્વાસ કરો, જેથી તમે પ્રકાશનાં બાળકો થાઓ.” આ વાતો કહી રહ્યા પછી ઈસુ ચાલ્યા ગયા અને તેઓનાથી પોતે સંતાઈ રહ્યા.

યહૂદીઓમાં વિશ્વાસ અને અવિશ્વાસ

37તેઓની હાજરીમાં ઈસુએ ઘણાં બધા ચમત્કારો કર્યા પછી, છતાં તેઓએ તેના પર વિશ્વાસ કયોઁ નહિ. 38યશાયા પ્રબોધકનુંં વચન પુરું કરવા માટે હતું:“પ્રભુ! અમારા સંદેશ પર કોણે વિશ્વાસ કયોઁ છે.અને પ્રભુનો હાથ કોની આગળ પ્રગટ થયેલો છે?”

39માટે આ કારણથી તેઓ વિશ્વાસ કરી શક્યાં નહિ, વળી યશાયાએ કહ્યું હતું:

40“તેમણે તેમની આંખો આંધળી કરી દિધી છેઅને તેઓનાં હૃદય કઠણ કર્યા છે,જેથી તેઓ તેમની આંખોથી જોઈ શકે નહિ,અથવા તેમના હૃદય સમજી શકે નહિ,પાછા ફરે નહિ, અને હું તેમને સાજા કરું.”

41યશાયાએ આ કહ્યું કારણ કે તેણે ઈસુનો મહિમા જોયો અને તેમના વિશે બોલ્યો.

42તોપણ તે જ સમયે આગેવાનોમાંના ઘણાંએ તેમના પર વિશ્વાસ કયોઁ. પણ ફરોશીઓ તેમને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂકે એ બીકથી તેઓએ જાહેરમાં તેમનો વિશ્વાસ જાહેર ન ક્યોઁ; 43તેઓ ઈશ્વર તરફથી મળતી પ્રશંસા કરતાં માણસો તરફથી મળતી પ્રશંસાને વિશેષ ચાહતા હતા.

44ત્યારે ઈસુએ મોટાં અવાજે કહ્યું, “જે કોઇ મારા પર વિશ્વાસ કરે છે, તે ફકત મારા પર જ વિશ્વાસ કરતા નથી. પણ જેણે મને મોકલ્યો છે તેના પર પણ. 45જે મને જુએ છે, તે જેણે મને મોકલ્યો છે તેને જુએ છે. 46હું જગતમાં પ્રકાશ તરીકે આવ્યો છું, જેથી જે કોઇ મારા પર વિશ્વાસ કરે છે તે અંધકારમાં ન રહે.

47“જો કોઇ મારાંં વચન સાંભળ્યા છતાં પણ તેમને પાડતા નથી, તો હું એ વ્યક્તિનો ન્યાય કરતો નથી, કેમકે હું જગતનો ન્યાય કરવા નહિ, પણ જગતનો ઉધ્ધાર કરવા માટે આવ્યો છું. 48જે મારો ઇનકાર કરે છે અને મારા વચનો સ્વીકારતો નથી; તેનો ન્યાય કરનાર એક છે, જે વાત મેં કહી છે તે જ છેલ્લે દિવસે તેમનો ન્યાય કરશે. 49કેમકે મેં મારા પોતાના તરફથી કહ્યું નથી, પણ પિતાએ મને જે આજ્ઞા આપી છે, તે જ મેં તમને કહી છે. 50હું જાણું છું કે તેમની આજ્ઞા અનંતજીવન તરફ દોરી લઈ જાય છે, તેથી જે કંઇ હું બોલું છું તે જ પિતાએ મને બોલવાનું કહ્યું છે.”

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]