Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Philemon 1 OGCB

Side by side with the Father's Heart Bible™

1મસીહ ઈસુનાં સુસમાચાર ફેલાવવાને કારણે કેદી બનેલ પાઉલ તથા ભાઈ તિમોથી તરફથી, અમારા વહાલાં સાથી કાર્યકર અને પ્રિય મિત્ર ફિલેમોનને,

2આપણી બહેન આફિયા તથા આર્ખિપસ જે સહ સૈનિક છે, અને તારા ઘરમાં મળતી મંડળી:

3આપણા ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ મસીહની કૃપા અને શાંતિ થાઓ.

આભારસ્તુતી અને પ્રાથઁના

4જયારે હું મારી પ્રાર્થનાઓમા તમને યાદ કરું છું ત્યારે હંમેશાં હું મારા ઈશ્વરનો આભાર માનું છું. 5કારણ કે હું પ્રભુનાં પવિત્ર લોક પ્રત્યેનાં તમારાં પ્રેમ વિશે અને પ્રભુમાં તમારાં વિશ્વાસ વિશે હું સાંભળું છું. 6કે, આપણામાં જે સવઁ સારું છે તેનું જ્ઞાન થયાથી તારા વિશ્વાસનું ભાગિયાપણું મસીહના મહિમાને સારું સફળ થાય. 7મારા ભાઈ, તારા પ્રેમથી મને પણ પુષ્કળ આનંદ અને દિલાસો મળ્યાં છે, કારણ કે તારી ભલાઈને લીધે ઈશ્વરના લોકોનાં હૃદયો તાજગી પામ્યાં છે.

ઓનેસીમસને માટે વિનંતી

8જો કે જે યોગ્ય છે તે તને આજ્ઞારૂપે કહેવાને મને મસીહથી પૂરી છૂટ છે ખરી, 9પરંતુ હું વૃધ્ધ પાઉલ, મસીહ ઈસુનો બંદીવાન છું, તારા પ્રત્યેના પ્રેમને લીધે હું તને વિનંતી કરું છું. 10મારી વિનંતી છે કે ઓનેસીમસ જે આ કેદખાનામાં પ્રભુમાં મારો પુત્ર બન્યો છે. 11ભૂતકાળમાં તે તને ઉપયોગી નીવડયો નથી, પરંતુ હવે તે મને અને તને ઉપયોગી છે.

12તેને પોતાને, એટલે મારા ખુદ હ્રદય જેવાને મેં તારી પાસે પાછો મોકલ્યો છે. 13હું તેને અહીં મારી પાસે જ રાખવા ઇચ્છતો હતો જેથી સુસમાચારને લીધે હું જેલમાં છું ત્યારે તારા બદલે તે મને મદદરૂપ થાય. 14પરંતુ તારો ઉપકાર પરાણે નહિ, પણ રાજીખુશીથી થાય, એ માટે તારી મરજી જાણ્યાં વિના હું તે પ્રમાણે કરવા માગતો નથી, 15તે હંમેશને માટે તારી પાસે રહેવા પાછો આવે એ માટે જ તે થોડો સમય તારાંથી દૂર થયો હતો. 16હવે તે ગુલામ નથી, પણ ગુલામથી વિશેષ છે, એટલે વહાલાં ભાઈ જેવો છે, તે મને વહાલો છે, તને પણ વહાલો છે, સાથી માણસ અને પ્રભુમાં ભાઈ જેવો છે.

17જો તું ખરેખર મને ભાગીદાર માનતો હોય તો, જાણે મારો આવકાર કરતો હોય એ જ રીતે તું તેનો પણ આવકાર કરજે. 18જો તેણે તારું કંઈ નુકશાન કર્યું હોય અથવા તારું કોઈ લેણું હોય તો તે મારે ખાતે ગણજે. 19હું, પાઉલ, મારે પોતાને હાથે આ લખું છું કે હું તે પાછું ભરી આપીશ, ખરુ જો તું તારાં પોતાનો જ મારો કરજદાર છે પરંતુ તે વિશે હું તને કહેવા માંગતો નથી; 20ભાઈ, હું ઇચ્છું છું કે તારાથી પ્રભુમાં મને કંઇક લાભ થાય; મસીહમાં મારું હ્રદય શાંત કર. 21મને તારા આજ્ઞાપાલનમાં વિશ્વાસ છે તેથી હું લખું છું, કેમકે હું જાણું છું કે હું જે કહું છું તે કરતાં વિશેષ તું કરીશ.

22અને બીજી એક વાત: મારા રહેઠાણની પણ વ્યવસ્થા કરજે. કારણ કે મારી આશા છે કે તમારી પ્રાર્થનાનાં જવાબરૂપે મને તમારી પાસે જલદી લઈ આવશે.

23એપાફ્રાસ, મસીહ ઈસુમાં મારો સાથી જે બંદીવાન છે, તે તને કુશળતા પાઠવે છે.

24એમ જ મારા સાથી કાર્યકરો માર્ક, અરિસ્તાર્ખસ, દેમાસ અને લૂક પણ તને શુભેચ્છા પાઠવે છે.

25પ્રભુ ઈસુ મસીહની કૃપા તમારાં આત્માની સાથે હો.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]