Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Mark 4 OGCB

Side by side with the Father's Heart Bible™

વાવનારનું દ્રષ્ટાંત

1એક વાર ઈસુ સરોવર કિનારે શિક્ષણ આપવાં લાગ્યા, મોટી સંખ્યામાં લોકો સરોવરના કિનારે ત્યાં એકઠા થયા તેથી તેમણે હોડીમાં બેઠા. જયારે બધા લોકો કિનારે હતા 2તેમણે દ્રષ્ટાંતો દ્રારા ઘણી વાતો શીખવી, તેમાનું એક દ્રષ્ટાંત આ પ્રમાણે હતું, 3“સાંભળો! એક ખેડૂત તેના બી વાવવા બહાર ગયો, 4જયારે તે વાવતો હતો, ત્યારે થોડાં બી પગદંડી પર પડયાં, અને પક્ષીઓ આવી તે ખાઈ ગયાં. 5કેટલાક ખડકાળ જમીન પર પડયાં, જયાં વધારે માટી ન હતી, તેથી તે જલદી ઊગી નીકળ્યાં. 6કેમકે જમીન છિછરી હતી. પણ જયારે સૂર્ય ઉપર આવ્યો ને છોડ ચીમળાઈ ને સુકાઈ ગયા, કેમકે તેમને મૂળ ન હતા. 7કેટલાક બી કાંટા ઝાંખરામાં પડયાં, ઝાંખરાએ વધીને છોડને દાબી દીધા, તેથી કાંઈ ફળ ન આપ્યું. 8પણ કેટલાક બી સારી જમીનમાં પડયાં, અને ઉગ્યા, વધ્યાં અને ફળ આપ્યા, કેટલાકને ત્રીસ ગણાં, કેટલાકને સાઠગણાં અને કેટલાકને સો ગણાં.”

9અને ઈસુએ તેઓને કહ્યું, “જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.”

10ઈસુ એકલા હતા, ત્યારે બાર શિષ્યો અને અન્ય જેઓ તેમની આસપાસ હતા તેમણે, આ દ્રષ્ટાંત વિશે પૂછયું? 11તેમણે કહ્યું, “ઈશ્વરના રાજ્યનાં સમજવાનો મમઁ તમને આપવામાં આવ્યો છે. પણ જેઓ બહારનાં છે તેમને બધું દ્રષ્ટાંતોમાં કહેવાય છે; 12કારણ કે,“ ‘તેઓ સદા જોશે પણ કયારેય જાણશે નહિ; અને સદા સાંભળશે પણ કદી સમજશે નહિ,રખેને તેઓ પાછા ફરે અને પાપની માફી પામે.’ ”

13અને ઈસુએ કહ્યું “શું તમે આ દ્રષ્ટાંત સમજતા નથી? તો મારાંં બીજા દ્રષ્ટાંતો શી રીતે સમજી શકશો? 14વાવનાર વચન વાવે છે. 15ઘણા લોકો પગદંડી પર પડેલા બી સમાન છે, જેઓમાં ઈશ્વરનાં વચનો વવાય છે, ને જેવા તેઓ વચન સાંભળે છે, કે તરત જ શેતાન આવી તે વચન લઈ જાય છે જે તેમનામાં વાવ્યા. 16ખડકાળ જમીન એટલે બીજા પ્રકારના લોકો, તેઓ ઈશ્વરનાં વચનો તરત સાંભળે છે અને આનંદથી સ્વીકારી લે છે. 17તેનામાં મૂળ નહિ હોવાને કારણે તેઓ લાંબુ ટકતા નથી. જયારે વચન માટે સતાવણી અને મુશ્કેલી થતાં જ તેઓ પાછાં પડી જાય છે. 18હજી બીજા બી કે જેઓ ઝાંખરામાં પડયા, જેઓ વચન સાંભળે છે, 19પરંતુ ટૂંક સમયમાં જ જીવનની ચિંતાઓ, સંપતિનું કપટ, અનેક વસ્તુઓ મેળવવાની લાલચ ઈશ્વરના વચનને દાબી દે છે, ને તે ફળદાયક રહેતું નથી. 20બીજા, સારી જમીનમાં વવાયેલા તેઓ એ છે, તેઓ સાચાં અર્થમાં ઈશ્વરના વચન સાંભળે છે ને સ્વીકારીને ઈશ્વર માટે પુષ્કળ ફસલ ઉપજાવે છે, કેટલાક ત્રીસ ગણા, કેટલાક સાઠ ગણા અને કેટલાક સો ગણા.”

સ્ટેન્ડપરનો દીવો

21તેણે તેઓને કહ્યું, “શું તમે દીવો વાટકા કે પથારી નીચે મૂકવા લાવો છો? તેના બદલે, શું તમે તેને તેના સ્ટેન્ડ પર મૂકશો નહીં? 22જે ગુપ્ત છે તે એટલા માટે કે જાહેર થાય, અને જે છાનું છે તે પ્રગટ કરવામાં આવે, 23જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.”

24તેણે તેઓને કહ્યું, “તમે જે સાંભળો છો તે વિશે સાવધ રહો, જે માપથી તમે માપો છો તેથી જ તમને પાછું માપી અપાશે; અને તેનાથી પણ વધતું અપાશે; 25જેની પાસે છે તેને વધુ આપવામાં આવશે; અને જેની પાસે નથી તેનું જે છે, તે પણ લઈ લેવામાં આવશે.”

વૃધ્ધિ પામતા બી નું દ્રષ્ટાંત

26અને તેણે એ પણ કહ્યું, ઈશ્વરનું રાજ્ય આવું છે, “એક માણસે ખેતરમાં બી વાવ્યા. 27રાતદિવસ તે ઊંઘે તથા જાગે અને તે બી ઊગે ને વધે પણ કેવી રીતે એ તે જાણતો નથી. 28જમીને આપમેળે પાક ઊપજાવે, પ્રથમ ફણગા, પછી ઊંબીઓ, અને છેવટે પાક પૂરાં દાણા ઊપજાવે છે. 29પાક ઊપજ્યા પછી તરત માણસ દાંતરડું લગાડે છે, કેમકે કાપણીનો સમય આવ્યો છે.”

રાઈના દાણાનું દ્રષ્ટાંત

30ફરીથી તેમણે કહ્યું, “ઈશ્વરનુ રાજ્ય શેના જેવું છે, અને તેને સમજવા શું દ્રષ્ટાંત અપાય? 31તે રાઈના બી જેવું છે, તે પૃથ્વી પર બધા બી મા સૌથી નાનું છે, 32તેમ છતાં જયારે તે વવાય, ત્યારે તે ઉગે છે અને બગીચાના તમામ છોડમાં સૌથી મોટો બની જાય છે, તેની મોટી ડાળીઓમાં આકાશના પક્ષીઓ તેની છાયામાં માળા બાંધે છે.”

33ઈસુએ બીજા ઘણા સમજી શકાય તેટલાં વચન દ્રષ્ટાંતો દ્રારા તેઓને કહ્યાં; 34તેઓ દ્રષ્ટાંતો સિવાય તેઓને કંઇ કહેતા ન હતા, પરંતુ જયારે પોતાના શિષ્યોની સાથે એકલા હોય ત્યારે તેનો બધો અર્થ સમજાવતા.

ઈસુએ તોફાન શાંત પાડયું

35તે દિવસે સાંજ પડતાં તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “ચાલો, આપણે સરોવરને પેલે પાર જઈએ.” 36જનસમુદાયને પાછળ રહેવા દઈને શિષ્યો એમનેએમ તેમને લઈને હોડીમાં નીકળી પડયાં, બીજી હોડીઓ પણ તેઓની સાથે હતી. 37પવનનું ભારે તોફાન આવ્યું, મોજાં હોડી પર ઉછળવા લાગ્યાં, હોડી પાણીથી ભરાઈને ડૂબવા લાગી. 38હોડીના પાછલાં ભાગમાં ઓશીકા પર માથું ટેકવી ઈસુ ઊંઘતા હતા. શિષ્યોએ મને જગાડયા ને તેમને કહ્યું, “ગુરુજી! જો અમે ડૂબીએ તો તેની તમને શું કાંઈ ચિંતા નથી?”

39“તેઓ ઊઠયાં અને પવનને ધમકાવ્યો અને મોજાને કહ્યું, શાંત થા!” પછી તરત જ પવન બંધ થયો અને સંપૂર્ણ શાંતિ થઈ.

40પછી તેમણે શિષ્યોને કહ્યું, “તમે શા માટે આટલા બધાં ગભરાઈ ગયા? શું હજીયે તમને વિશ્વાસ નથી?”

41તેઓ ભયભીત થઈને એકબીજાને કહેવા લાગ્યા, “આ તે કોણ છે? પવન અને મોજા પણ તેમનું માને છે!”

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]