Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Mark 3 OGCB

Side by side with the Father's Heart Bible™

ઈસુ વિશ્રામવારે સાજાપણું આપે છે,

1ઈસુ ફરી એક વાર સભાસ્થાનમાં ગયા, ત્યાં સુકાઈ ગયેલાં હાથવાળો એક માણસ હતો. 2કેટલાક ઈસુ પર આરોપ મૂકવાનું કારણ શોધી રહ્યા હતા, તેથી તેઓ વિશ્રામવારે તેને સાજો કરશે કે કેમ તે જોવા માટે તેઓએ તેની પર નજીકથી નજર રાખી કે તેઓ તેમના પર દોષ મૂકે. 3ઈસુએ સુકાઈ ગયેલાં હાથવાળા માણસને કહ્યું, “બધાની સમક્ષ ઊભો રહે!”

4પછી તેમણે તેઓ તરફ ફરીને કહ્યું, “નિયમ પ્રમાણે વિશ્રામવારે ભલાં કામ કરવા કે નુકશાનકારક? એ દિવસે જીવને બચાવવો કે મારવો?” પણ તેઓ ચૂપ રહ્યા.

5તેઓના હૃદયની કઠણતાને લીધે દુઃખી થઈને તેમણે ગુસ્સાભરી નજરે ચોતરફ જોયું અને તે માણસને કહ્યું, “તારો હાથ લાંબો કર.” તેણે હાથ લાંબો કયોઁ અને તેનો હાથ સંપૂણઁ સાજો થઈ ગયો. 6ફરોશીઓ ત્યાંથી ચાલ્યા ગયાં અને તરત જ હેરોદીઓને મળીને ઈસુને મારી નાખવાનું કાવતરું વિચારવાં લાગ્યા.

સરોવર કાંઠે જનસમુદાય

7ઈસુ અને તેમના શિષ્યો સરોવરે ગયા, અને ઘણું મોટું ટોળું ગાલીલથી તેમની પાછળ ગયું, 8યહૂદિયાથી, યરુશાલેમથી, અદુમથી, યર્દન નદી પારનાં પ્રદેશોમાંથી અને છેક તૂર તથા સિદોન ની આસપાસના ઘણા લોકો તેણે જે કામો કયાઁ તે સાંભળીને તેની પાસે આવ્યા. 9લોકોનાં ટોળાનાં ધસારાથી બચવા ઈસુએ શિષ્યોને હોડી તૈયાર રાખવા જણાવ્યું. 10કેમકે ઈસુએ ઘણાં લોકોને સાજા કર્યાં હતાં, પરિણામે સંખ્યાબંધ બીમાર લોકો તેમને સ્પર્શ કરવા પડાપડી કરતાં હતા. 11અશુધ્ધ આત્મા વળગેલાં માણસો ઈસુને જોતાં જ તેમની આગળ પડી જતાં અને પોકારી ઊઠયા કે, “તમે ઈશ્વરપુત્ર છો!” 12ઈસુએ તેઓને તાકીદ આપી કે, “હું કોણ છું તે તમારે પ્રગટ કરવું નહિ.”

બાર પ્રેષિતોની પસંદગી

13ઈસુ પહાડ પર ગયા, અને જેઓને તેણે પસંદ કયાઁ તેઓને તેણે બોલાવ્યાં, અને તેઓ ઈસુની પાસે ગયાં. 14ઈસુએ બારની નિમણૂંક કરીને તેઓ તેમને બહાર મોકલે કે તેઓ ઉપદેશ કરે 15અને તેઓ અશુધ્ધ આત્માઓને હાંકી કાઢવાનો અધિકાર પામે.

16બાર પ્રેષિતોનાં નામ આ પ્રમાણે છે: સિમોન (ઈસુએ તેનું બીજું નામ પિતર રાખ્યું),

17ઝબદીનો દીકરો યાકોબને તેનો ભાઈ યોહાન (ઈસુએ તેઓને બને-રગેસ એટલે “ગર્જનાના પુત્રો” કહ્યાં),

18આન્દ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમાસ અલ્ફીનો દીકરો યાકોબ, થદીયુસ, સિમોન કનાની,

19તેમને દગો દેનાર યહૂદા ઈશ્કારિએત.

ઈસુ વિરુધ્ધ ખોટો આરોપ

20પછી ઈસુ એક ઘરમાં ગયા, ખબર પડતાં જ લોકોનાં ટોળાં ફરીથી એકત્ર થવા લાગ્યાં અને થોડા જ સમયમાં ઘર એટલું બધું ભરાઈ ગયું કે તેઓ જમી પણ ન શકયા. 21તેમના સગાં વહાલાંએ આ જોયું ત્યારે તેઓ ઈસુને પોતાને ઘરે લઈ જવા આવ્યા, કેમકે તેઓએ કહ્યું કે તે ઘેલો છે.

22યરુશાલેમથી આવેલા કેટલાક નિયમશાસ્ત્રના પંડિતોએ કહ્યું, સાચી વાત એ છે કે તેનામાં ભૂતોનો સરદાર બાલઝબૂલ છે, ભૂતોના સરદારની મદદથી તે અશુધ્ધ આત્માઓને કાઢે છે.

23ઈસુએ તેઓને બોલાવ્યાં અને દ્રષ્ટાંતો દ્રારા સમજાવતા કહ્યું, “શેતાન શેતાનને કેવી રીતે કાઢી શકે? 24કોઈ રાજ્યમાં ભાગલાં પડે, તો તે જાતેજ નાશ પામે છે. 25જે ઘરમાં માંહોમાંહે ફાટફૂટ થાય તો તે ટકી શકે નહિ. 26અને જો શેતાન પોતાની વિરુદ્ધ ફૂટ પાડે તો તે કેવી રીતે ટકી શકે! તેનો અંત જ આવ્યો જાણવો. 27બળવાન માણસને બાંધ્યા વગર કોઈ તેના ઘરમાં પ્રવેશી ન શકે. બળવાન માણસને એ બાંધ્યા પછી તે તેનું ઘર લુંટી શકે છે. 28હું તમને ખચીત કહું છું કે: માણસનું કોઈ પણ પાપ અને નિંદા માફ કરી શકાશે; 29પરંતુ, પવિત્ર આત્મા વિરુધ્ધ કરેલું નિંદાનું પાપ કદી માફ કરવામાં આવશે નહિ, સાર્વકાલિક દોષ રહે એવું તે પાપ છે.”

30ઈસુએ આ વાતો કહી કારણ કે તેઓ કહેતાં હતા કે તેમને અશુધ્ધ આત્મા વળગેલો છે.

31ઈસુ ત્યાં હતા ત્યારે તેમની મા અને ભાઈઓ ત્યાં આવી પહોંચ્યા. તેઓએ બહાર ઊભા હતા. તેમને બોલાવવા અંદર માણસ મોકલ્યું. 32ટોળું તેમની આસપાસ બેઠું હતુ અને તેઓએ તેમને કહ્યું, “તમારાંં મા અને ભાઈઓ બહાર આવ્યા છે અને તમને શોધે છે.”

33તેમણે કહ્યું, “મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?”

34લોકો તરફ ફરીને જેઓ તેમની આસપાસ બેઠા હતા તેમને કહ્યું, “આ રહ્યાં મારાં મા અને મારા ભાઈઓ! 35જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે, તે જ મારા ભાઈ, બહેન અને માતા છે.”

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]