Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Mark 5 OGCB

Side by side with the Father's Heart Bible™

અશુધ્ધ આત્મા વળગેલા માણસને સાજાપણું

1તેઓ સરોવરને સામે કિનારે ગેરસાનીઓના પ્રદેશમાં ગયા. 2ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે કબરોમાંથી અશુધ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળવા આવ્યો. 3તે કબરોમાં રહેતો હતો, તેને કોઇ સાંકળોથી પણ બાંધી શકતો ન હતો. 4કેમકે તેને ઘણીવાર હાથ-પગમાં સાંકળો તથા બેડીઓથી બાંધવામાં આવ્યો હતો, પણ તે સાંકળો અને બેડીઓ તોડી નાંખતો. કોઈ તેને વશ રાખી શક્તું નહોતું. 5તે રાતદિવસ કબરોમાં તથા પહાડોમાં ચીસો પાડતો, પથ્થરોથી પોતાને ઘાયલ કરતો.

6ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો, અને તેમની આગળ ઘૂંટણે પડયો 7તેણે ભયંકર ચીસ પાડીને કહ્યું, “ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના પુત્ર! તમારે અને મારે શું? ઈશ્વરની ખાતર મને પીડા ન દો.” 8ઈસુએ તે અશુધ્ધ આત્માને ધમકાવતાં કહ્યું, “આ માણસમાંથી બહાર નીકળ.”

9ઈસુએ પૂછયું, “તારું નામ શું છે?” અશુધ્ધ આત્માએ જવાબ આપ્યો, “મારું નામ સેના છે, કારણ અમે અનેક છીએ.”

10તેણે ઈસુને વારંવાર વિનંતી કરીને કહ્યું, અમને આ જગ્યાથી કાઢી ન મૂકો.

11ત્યાં પહાડની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરી રહ્યું હતું. 12અશુધ્ધ આત્માએ આજીજી કરી, “અમને તે ભૂંડોનાં ટોળામાં પેસવા દો કે અમે તેઓમાં જઈએ.” 13ઈસુએ તેઓને જવા દીધા, તેથી અશુધ્ધ આત્માઓ તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં પેઠાં, અને લગભગ બે હજાર ભૂંડોનું આખું ટોળું સરોવરમાં ધસી પડયું અને ડુબી ગયું.

14પેલા ભૂંડ ચરાવનારાં નાઠાં, શહેરમાં જઈને તે બધું તેઓએ કહી જણાવ્યું, અને ગામડાંમાં નાસી ગયા અને તે જોવાને માટે લોકો ઊમટી પડયાં. 15તેઓ ઈસુ પાસે આવ્યા, ત્યારે પેલા ભૂત વળગેલા માણસને વસ્ત્રો પહેરેલો તથા સંપૂર્ણ સ્વસ્થ બેઠેલો જોઈ; તેઓ ભયભીત થયા. 16આ અશુધ્ધ આત્મા વળગેલો કેવી રીતે સારો થયો હતો, તે તથા ભૂંડો વિશેની વાત જોઈ હતી તે તેઓએ લોકોને કહી સંભળાવ્યું. 17ત્યારે લોકોએ ઈસુને તે પ્રદેશમાંથી ચાલ્યા જવા વિનંતી કરી.

18જયારે ઈસુ હોડીમાં ચઢતા હતા, ત્યારે અશુધ્ધ આત્માઓથી મુક્ત થયેલા માણસે તેમની સાથે જવા વિનંતી કરી. 19ઈસુએ તેને ના પાડી અને કહ્યું, “તારા ઘરે તારાં સગા વહાલાં પાસે જા અને ઈસુએ તેમને માટે કેટલું બધું કયુઁ હતું તે કહી સંભળાવ્યું.” 20તેથી તે માણસ દકાપોલિસ ગયો અને ઈસુએ જે મહાન કૃત્યો તેના માટે કર્યા હતાં તે કહેવાં લાગ્યો, તેની વાત સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

યાઈરસની પુત્રી અને રકતસ્ત્રાવવાળી સ્ત્રી

21ઈસુ હોડીમાં બેસીને સરોવરને સામે કિનારે પહોંચ્યા, જયારે એ તે સરોવર પાસે હતાં ત્યારે મોટો સમુદાય તેમની આસપાસ એકઠો થઈ ગયો. 22એટલામાં યહુદી સભાસ્થાનનો આગેવાન, યાઈરસ દોડતો આવ્યો, અને ઈસુની આગળ નમી પડયો. 23વ્યાકુળ હદયે તેણે આજીજી કરી, “મારી નાની દીકરી મરવાની અણી પર છે; મહેરબાની કરી આપ આવો અને તેના પર હાથ મૂકો કે તે સાજી થઈને જીવતી થાય.” 24ઈસુ તેની સાથે ગયા અને. મોટું ટોળું તેમની પાછળ જઈને તેમના પર પડાપડી કરી.

25ટોળામાં એક સ્ત્રી તે બાર વર્ષથી રકતસ્ત્રાવથી પીડાતી હતી. 26ઘણાં ડોકટરોની સારવારમાં તેણે પોતાનું સવઁ ખરચી નાંખ્યાં છતાં, સારું થવાને બદલે તેની સ્થિતિ વધારે બગડી ગઈ હતી. 27ઈસુ વિશે સાંભળીને ટોળામાં થઈને તે તેમની પાછળ આવી અને તેમના ઝભ્ભાને સ્પર્શ કયોઁ. 28કેમકે તેણે વિચાયુઁ હતું કે: “જો હું માત્ર તેમના વસ્ત્રને જ સ્પર્શ કરું તો, પણ સાજી થઈશ.” 29તરત જ તેનો રકતસ્ત્રાવ બંધ થયો અને તેને શરીરમાં ખાતરી થઈ કે તે સાજી થઈ છે.

30તરત જ ઈસુને ખબર પડી કે તેમના માંથી પરાક્રમ નીકળ્યું છે, તેમણે ટોળાં તરફ ફરીને પૂછયું. “મારા વસ્ત્રને કોણે સ્પર્શ કર્યો?”

31શિષ્યોએ કહ્યું, “આટલા બધા લોકો તમારાં પર પડાપડી કરે છે,” છતાં તમે પૂછો છો કે, “કોણે મને સ્પર્શ કયોઁ?”

32એ કોણ કયુઁ તે જોવા, ઈસુએ ચારે તરફ નજર ફેરવી. 33તે સ્ત્રી પોતાને જે થયું હતું તે જાણીને ભયથી ધ્રૂજીને આવીને તેની આગળ પડીને તેણે તેમને બધું સાચેસાચું કહી દીધું. 34તેમણે તેને કહ્યું, “દીકરી, તારા વિશ્વાસથી તું સાજી થઈ છે, શાંતિએ જા ને રોગથી મુક્ત થા.”

35હજી ઈસુ તે સ્ત્રી સાથે વાત કરતા હતા, તે જ વખતે સભાસ્થાનના આગેવાન યાઈરસના ઘરેથી માણસો આવ્યા, “તેઓએ ખબર આપી કે દીકરી મૃત્યુ પામી છે, હવે ઈસુને તસ્દી આપવાની જરૂર નથી.”

36પરંતુ તેઓની વાત પ્રત્યે ધ્યાન આપ્યા સિવાય ઈસુએ કહ્યું, “તું ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ રાખ.”

37પછી ઈસુએ ટોળાને ત્યાં અટકાવીને પિતર, યાકોબ અને યોહાન કે જે યાકૂબનો ભાઈ સિવાય બીજા કોઈને પોતાની સાથે આવવાં દીધા નહિ. 38જયારે તેઓએ સભાસ્થાનનાં આગેવાનના ઘરમાં આવ્યા, ત્યારે ઈસુએ આવીને જોયું તો શોરબકોર મચી ગયો હતો. વિલાપ અને રડારોળ થઈ રહ્યાં હતાં. 39ઈસુએ ઘરમાં જઈને લોકોને કહ્યું, “આટલો બધો શોરબકોર અને વિલાપ શા માટે! છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે!” 40તેઓએ તેમને હસી કાઢયાં. ઈસુએ બધાને બહાર કાઢયા, તેઓના ગયા પછી છોકરીનાં માતાપિતાને અને ત્રણ શિષ્યોને લઈને, જે ઓરડીમાં તે હતી ત્યાં તે ગયા.

41તેમણે તેનો હાથ પકડીને કહ્યું, “તાલીથાકૂમ!” જેનો અર્થ થાય છે, (“છોકરી, હું તને કહું છું, ઊઠ!”). 42તરત તે ઊભી થઈ અને ચાલવા લાગી. તેઓ જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયાં (તે છોકરી બાર વરસની હતી). 43ઈસુએ તેઓને કડક સૂચના આપી, જે કાંઈ બન્યું છે તે કોઈને કહેશો નહિ. તેને ખાવા માટે કાંઈક આપો.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]