Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 John 4 OGCB

Side by side with the Father's Heart Bible™

અવતારને નકારવા પર

1પ્રિય મિત્રો, દરેક આત્મા પર વિશ્વાસ ન કરશો, પણ ખાતરી કરો કે એ આત્મા ઈશ્વર તરફથી છે કે નહિ, કેમકે જગતમાં જૂઠા પ્રબોધકો ઘણાં ઊભા થયા છે. 2ઈસુ મસીહ મનુષ્યદેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વર તરફથી છે; એથી તમે ઇશ્વરનો આત્મા ઓળખી શકો છો; 3પણ જે દરેક આત્મા ઈસુને ઈશ્વર તરફથી છે એવું સ્વીકારતુ નથી. તે મસીહ વિરોધી છે, કે જેના વિશે તમે સાંભળ્યું છે કે તે આવે છે અને તે હાલ પણ જગતમાં છે.

4તમે, વહાલાં બાળકો, તમે ઈશ્વરનાં છો અને તમે તેઓને જીત્યા છે; કેમકે જગતમાં જે છે તે તમારામાં જે છે તેનાથી વિશેષ છે. 5તેઓ જગતના છે અને તેથી તેઓ જગત સંબંધી બોલે છે, અને જગત તેમનું સાંભળે છે. 6આપણે તો ઈશ્વરનાં છીએ, તેથી જેઓ ઈશ્વરને ઓળખે છે તેઓ જ આપણને સાંભળે છે; પણ જેઓ ઈશ્વરના નથી તેઓ આપણને સાંભળતાં નથી. તેથી આપણે સત્યનાં આત્માને તથા જૂઠા આત્માને ઓળખી શકીએ છીએ.

ઈશ્વરનો પ્રેમ અને આપણો

7પ્રિય મિત્રો, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમકે પ્રેમ ઈશ્વર તરફથી છે. જેઓ પ્રેમાળ છે તેઓ ઈશ્વરથી જન્મેલાં અને ઈશ્વરને ઓળખે છે. 8જે પ્રેમ કરતો નથી તે ઈશ્વરને ઓળખતો નથી, કેમકે ઈશ્વર પ્રેમ છે. 9ઈશ્વરે આ પ્રમાણે એમનો પ્રેમ પ્રગટ કયોઁ છે! તેમણે પોતાના એકનાએક દીકરાને આ જગતમાં મોકલ્યા, તેથી તેમનાથી આપણે જીવીએ. 10આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો એ નહિ પણ આપણા પાપોનું પ્રાયશ્ચિતના બલિદાન થવા માટે તેમણે પોતાના પુત્રને આપણા માટે મોકલ્યા એ સાચો પ્રેમ છે. 11પ્રિય મિત્રો, ઈશ્વરે આપણા પર આવો મહાન પ્રેમ કર્યો, તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખીએ. 12જો કે કોઇએ ઈશ્વરને કદી જોયા નથી; પણ જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ છીએ, તો ઈશ્વર આપણામાં વસે છે, અને તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થાય છે.

13આપણે ઈશ્વરમાં રહીએ છીએ અને તે આપણામાં રહે છે તે પરથી આપણે જાણીએ છીએ કે તેમણે પોતાનો પવિત્ર આત્મા આપણને આપ્યો છે. 14વળી, અમે જોયું છે ને સાક્ષી પૂરીએ છીએ કે, પિતાએ પુત્રને જગતના તારનાર થવા મોકલ્યા છે. 15ઈસુ ઈશ્વરપુત્ર છે. એવો વિશ્વાસ જે કરે છે, ઈશ્વર તેમનામાં રહે છે અને તેઓ ઈશ્વરમાં રહે છે. 16અને આપણા પ્રત્યેનો ઈશ્વરનો જે પ્રેમ છે તે આપણે જાણીએ છીએ. ઈશ્વર પ્રેમ છે. જે પ્રેમમાં રહે છે તે ઇશ્વરમાં રહે છે, અને ઈશ્વર તેમનામાં રહે છે.

17તેથી પ્રેમ આપણામાં સંપૂણઁ થયો છે કે, ન્યાયકાળે આપણને હિંમત રહે; કેમકે આપણે આ જગતમાં ઈસુ જેવા છીએ. 18પ્રેમમાં બીક નથી. પણ સંપૂર્ણ પ્રેમ બીકને દૂર કરે છે, કેમકે બીકને શિક્ષા સાથે સંબંધ છે. અને જે બીક રાખે છે તે પ્રેમમાં સંપૂણઁ થયો નથી.

19આપણે પ્રેમ રાખીએ છીએ કારણ કે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો. 20જો કોઈ કહે કે “હું ઈશ્વર પર પ્રેમ રાખું છું” પણ પોતાના ભાઈ કે બહેનને ધિક્કારતો હોય તો તે જૂઠો છે, કેમકે જે કોઇ પોતાના ભાઈ કે બહેન કે જેમને જોયા છે તેના પર તે પ્રેમ ન રાખતો હોય તો ઈશ્વર જેમને તેણે કદી જોયા નથી તેમના પર તે કેવી રીતે પ્રેમ રાખી શકે? 21વળી તેમણે આપણને આજ્ઞા આપી છે: જે કોઈ ઈશ્વરને પ્રેમ કરતો હોય, તેણે પોતાના ભાઈ અને બહેન પર પ્રેમ રાખવો જોઈએ.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]