Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Mark 8 OGCB

Side by side with the Father's Heart Bible™

ઈસુ ચાર હજારને જમાડે છે

1તે દિવસોમાં બીજી એક વિશાળ મેદની જમા થઈ હતી. તેઓની પાસે કાંઈ પણ ખાવાનું ન હતું, ત્યારે ઈસુએ તેમનાં શિષ્યોને બોલાવીને કહ્યું, 2“આ લોકો પર મને દયા આવે છે; ત્રણ દિવસથી તેઓ મારી સાથે છે, અને તેમની પાસે ખાવા માટે કંઈ નથી; 3જો હું તેઓને ભૂખ્યાં ઘરે વિદાય કરું, તો તેઓ માર્ગમાં જ નિર્ગત થઈ જશે; કેમકે તેઓમાનાં કેટલાક ઘણે દૂરથી આવ્યા છે.”

4તેમનાં શિષ્યોએ જવાબ આપ્યો, “આ ઉજ્જડ સ્થળે એટલી બધી રોટલી કયાંથી મળશે કે તેમને ખવડાવી શકીએ?”

5ઈસુએ પૂછયું, “તમારી પાસે કેટલી રોટલી છે?” તેઓએ જવાબ આપ્યો, “સાત.”

6તેમણે ટોળાને જમીન પર બેસી જવા કહ્યું; પછી તેમણે સાત રોટલી લીધી ને ઈશ્વરનો આભાર માન્યો, અને તે ભાંગીને અને લોકોને પીરસવા માટે શિષ્યોને આપી, અને તેઓએ પીરસી. 7તેઓની પાસે થોડી નાની માછલી પણ હતી, ઈસુએ તેના પર આશીર્વાદ માગીને લોકોને પીરસવાં શિષ્યોને આપી. 8લોકો ખાઈને ઘરાયા. ત્યાર બાદ વધેલાં ટુકડાઓથી સાત ભરેલી ટોપલીઓ શિષ્યોએ ઉઠાવી. 9આશરે ચાર હજાર લોકો ત્યાં હાજર હતા, પછી તેમણે તેઓને વિદાય કર્યા. 10તેઓ પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેસીને દલ્મનૂથાના પ્રદેશમાં ગયા.

11ફરોશીઓ આવ્યા ને ઈસુને પ્રશ્ન કરવા લાગ્યા. તેમની કસોટી કરતાં, તેમણે તેમની પાસે આકાશમાંથી નિશાની માંગી. 12આ સાંભળીને ઈસુએ ઊંડો નિસાસો નાખીને કહ્યું, “આ પેઢી નિશાની કેમ માગે છે? હું સાચે જ કહું છું કે, તેમને કોઈ નિશાની અપાશે નહિ.” 13તેઓને ત્યાં જ રહેવા દઈને તે પાછાં હોડીમાં બેસીને સરોવરને પેલે પાર જવાં નીકળ્યાં.

ફરોશીઓનું ખમીર અને હેરોદ

14શિષ્યો રોટલી લાવવાનું ભૂલી ગયા હતા, અને હોડીમાં તેઓની પાસે એક જ રોટલી હતી. 15ઈસુએ તેઓને ચેતવણી આપતાં કહ્યું, “ફરોશીઓના અને હેરોદનાં ખમીરથી સાવધ રહો.”

16તેઓ માંહોમાંહે ચચાઁ કરવાં લાગ્યા ને કહ્યું, “કેમકે આપણી પાસે રોટલી નથી.”

17ઈસુ તેઓની ચર્ચા સમજી ગયા અને કહ્યું, “તમારી પાસે રોટલી નથી માટે તમે કેમ વાતો કરો છો? શું તમે હજી સુધી જોતાં કે સમજતા નથી? શું તમારાંં હૃદયો કઠણ થયાં છે 18તમારી આંખો છતાં જોઈ શકતા નથી, કાન છતાં શું સાંભળી શકતા નથી? ને શું તમે યાદ નથી રાખતા? 19જયારે મે પાંચ હજાર સારું પાંચ રોટલી ભાંગી ત્યારે તમે કકડાઓ ની ભરેલી કેટલી ટોપલીઓ ઊઠાવી?” તેઓએ જવાબ આપ્યો, “બાર,”

20“અને જયારે મે ચાર હજારને માટે સાત રોટલી ભાંગી, ત્યારે કકડાથી ભરેલી કેટલી ટોપલીઓ ઊઠાવી?” તેઓએ જવાબ આપ્યો, “સાત.”

21ત્યારે તેમણે તેઓને કહ્યું, “શું તમે હજી સુધી નથી સમજતા?”

બેથસૈદામાં અંધને સાજાપણું

22પછી તેઓ બેથસૈદા આવ્યા, ને કેટલાક લોકો એક અંધજનને ઈસુ પાસે લાવ્યાં અને ઈસુને વિનંતી કરી કે તે તેને સ્પર્શ કરે. 23ઈસુ તેના હાથ પકડીને તેને ગામ બહાર લઈ ગયાં. તે તેની આંખો પર થૂંકીને પોતાના હાથ તેના પર મૂક્યાં, ઈસુએ પૂછયું, “શું તું કાંઈ જોઈ શકે છે?”

24તેણે ઊંચું જોઈને કહ્યું, “હા, હું માણસોને જોઉં છું, તેઓ ચાલતાં વૃક્ષ જેવા દેખાય છે.”

25ઈસુએ ફરીથી તે માણસની આંખો પર હાથ મૂક્યાં, ત્યારે તેની આંખો ઊઘડી ગઈ, તેની દ્રષ્ટી પાછી મળી, અને તે બધું સ્પષ્ટ જોવા લાગ્યો. 26ઈસુએ તેને ઘરે મોકલતા કહ્યું, “ગામમાં પણ જઈશ નહિ.”

ઈસુ વિશે પિતરનો એકરાર

27ઈસુ અને તેમના શિષ્યો કૈસરીયા ફિલિપ્પીનાં ગામોમાં ગયા, માર્ગમાં તેમણે તેમને પૂછયું, “હું કોણ છું એ વિશે લોકો શું કહે છે?”

28તેઓએ ઉત્તર આપ્યો, “કેટલાક કહે છે, યોહાન બાપ્તિસ્ત; બીજાઓ કહે છે એલિયા; અને કોઇક કહે છે પ્રબોધકોમાંના એક છો.”

29પછી તેમણે પૂછયું, “હું કોણ છું તે વિશે તમે શું માનો છો?” પિતરે ઉત્તર આપ્યો, “તમે મસીહ છો.”

30ઈસુએ તેઓને આ આજ્ઞા આપી કે, માર વિશે તમારે કોઈને કહેવું નહિ.

ઈસુ પોતાના મરણની આગાહી કરે છે

31પછી તેમણે તેઓને શીખવવા લાગ્યા કે માણસનો દીકરો પુષ્કળ દુઃખ સહન કરશે અને વડીલો, મુખ્ય યાજકો અને નિયમશાસ્ત્રના પંડિતો તેનો નકાર કરશે, પછી તે મારી નંખાશે અને ત્રણ દિવસ પછી સજીવન થશે, એ જરૂરનું છે. 32ઈસુએ આ બધું તે ઉઘાડી રીતે કહ્યું, અને પિતર તેમને બાજુ પર લઈ જઈને ઠપકો આપવાં લાગ્યો.

33ઈસુએ પાછળ ફરીને તેમના શિષ્યોની સામે જોયું અને પિતરને ધમકાવ્યો, “અરે શેતાન, મારી પછવાડે જા! તું ઈશ્વરની વાતો પર નહિ પણ માણસોની વાતો પર મન લગાડે છે.”

34પછી તેમણે શિષ્યોની સાથે ટોળાને બોલાવીને કહ્યું, “જે કોઈ મારો શિષ્ય થવા ચાહે તેણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 35જે કોઈ પોતાનો જીવ બચાવવાં ચાહે છે તે તેને ગુમાવી દેશે, પરંતુ જે કોઈ મારે લીધે અને સુસમાચારને લીધે જે પોતાનો જીવ ગુમાવશે, તે તેને બચાવશે. 36કોઈ આખું જગત મેળવે અને પોતાનો આત્મા ગુમાવે તો તેથી તેને શો લાભ? 37અથવા કોઈ પોતાના આત્માને બદલે શું આપશે? 38જો કોઈ મારે લીધે અને વચનને લીધે આ વ્યભિચારી અને પાપી પેઢીમાં શરમાશે, તો તેને લીધે માણસનો દીકરો પણ પોતાના પિતાનાં મહિમામાં પવિત્ર દૂતો સાથે આવશે, ત્યારે શરમાશે.”

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]