Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 2 OGCB

Side by side with the Father's Heart Bible™

ઈસુનો જન્મ

1એ દિવસોમાં કૈસર ઓગસ્તસે ફરમાન બહાર પાડયું કે સમગ્ર રોમન વિશ્વની વસ્તી ગણતરી કરવામાં આવે. 2આ પ્રથમ વસ્તી ગણતરી હતી તે સમયે કુરેનિયસ સિરીયાનો રાજ્યપાલ હતો. 3અને નામ નોંધાવવા માટે દરેક વ્યકિત પોતાના શહેરમાં ગયાં.

4તેથી યોસેફ પણ ગાલીલ નાઝરેથ શહેરમાંથી યહૂદિયા દાવિદનાં શહેર બેથલેહેમ ગયો, કેમકે તે દાઉદનાં ઘરનો અને કુળમાંનો હતો. 5તે મરિયમ સાથે નોઘણીં કરાવવા ત્યાં ગયો, જેની સાથે તેની સગાઈ થઇ હતી, અને તે ગર્ભવતી હતી. 6જયારે તેઓ ત્યાં હતા, ત્યારે બાળકનો જન્મ થવાનો સમય થઇ ચૂકયો હતો. 7તેણે પોતાના પ્રથમજનિત પુત્રને જન્મ આપ્યો. તેણે તેને એક કપડાંમાં લપેટયો અને ગભાણમાં મૂકયો, કેમકે તેઓને માટે ધર્મશાળામાં જગા ન હતી.

8અને ત્યાં ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. 9પ્રભુનો એક દૂત તેઓને દેખાયો અને પ્રભુનો મહિમા તેઓની આસપાસ પ્રકાશ્યો તેઓ ખૂબ જ ગભરાઈ ગયા. 10પણ દૂતે તેઓને કહ્યું, “બીહો માં! હું સુસમાચાર લાવ્યો છું, અને તે સર્વને લોકોને માટે આનંદનું કારણ થશે: 11આજે દાવિદના નગરમાં તમારે માટે એક તારનાર જન્મ્યાં છે. તે મસીહા, પ્રભુ છે. 12તમારે માટે એ નિશાની થશે: તમને એક બાળક કપડાંમાં લપેટેલો ગભાણમાં સૂતેલો મળશે.”

13એકાએક દૂતની સાથે આકાશી સૈન્યનો મોટો સમુદાય દેખાયો, તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતા:

14“પરમઊંચામાં ઈશ્વરને મહિમા થાઓ;અને પૃથ્વીમાં જેઓ પર તે પ્રસન્ન છે, તેઓને શાંતિ થાઓ.”

15જયારે દૂતો તેઓને મુકીને આકાશમાં ગયાં, ત્યારે ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું, “ચાલો, આપણે બેથલેહેમ જઈએ અને આ જે બન્યું છે તે જોઈએ, જે વિશે પ્રભુએ આપણને કહ્યું છે.”

16તેથી તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યોસેફને તથા બાળકને શોધી કાઢયાં, જે ગભાણમાં સૂતેલો હતો. 17જયારે તેઓએ તેને જોયો, ત્યારે બાળક વિશે જે વચન કહેવામાં આવ્યું હતું, તે બધું તેઓએ જાહેર કયુઁ. 18ઘેટાંપાળકોએ તેઓને જે કહ્યું, અને તેથી બધા સાંભંળનારાઓ આશ્ચર્ય પામ્યાં. 19પણ મરિયમે આ સર્વ વાતો પોતાના મનમાં રાખી અને તે વિશે તે વિચાર કરતી. 20ઘેટાંપાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ સાંભળ્યું અને જોયું તેને લીધે ઇશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા.

21આઠમે દિવસે, જયારે બાળકની સુન્નત કરવાનો વખત આવ્યો, ત્યારે તેનું નામ ઈસુ પાડયું, જે નામ તેનો ગર્ભ રહ્યા પહેલાં દૂતે તેને આપ્યું હતું.

ઈસુને મંદિરમાં રજૂ કરાયા

22જયારે મોશેનાં નિયમશાસ્ત્ર પ્રમાણે શુધ્ધિકરણના દિવસો આવ્યા, ત્યારે યોસેફ અને મરિયમે તેમને પ્રભુ આગળ રજૂ કરવા તેમને યરુશાલેમ લઈ ગયાં. 23જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખ્યાં પ્રમાણે દરેક પ્રથમજનિત નર પ્રભુને સારુ પવિત્ર થાય. 24અને પ્રભુના નિયમશાસ્ત્રમાં જણાવ્યાં પ્રમાણે હોલાંની એક જોડ અથવા કબૂતરનાં બે બચ્ચાં નું બલિદાન આપવું.

25હવે ત્યાં શિમયોન નામે એક માણસ યરુશાલેમમાં હતો, તે ન્યાયી અને ધામિઁક હતો. ઇઝરાયેલનાં દિલાસાની રાહ જોતો હતો અને પવિત્ર આત્મા તેના પર હતો. 26પવિત્ર આત્માએ તેને પ્રગટ કયુઁ હતું કે પ્રભુના મસીહને જોયા પહેલાં તું મરણ પામશે નહિ. 27પવિત્ર આત્માથી પ્રેરાઇને તે મંદિરનાં આંગણાંમાં ગયો. જયારે બાળક ઈસુનાં સંબંઘમા નિયમશાસ્ત્રની વિધિ પ્રમાણે કરવા સારું તેના માબાપ ત્યાં લાવ્યાં, 28ત્યારે શિમયોને તેને તેના હાથમાં લીધો અને ઈશ્વરની સ્તુતિ કરીને, કહ્યું

29“હે પ્રભુ, તમારાં વચન પ્રમાણે,હવે તમારાં સેવકને શાંતિમાં જવા દો

30કેમકે મારી આંખોએ તારા તારણને જોયું છે,

31જેને બધા લોકોની નજરમાં તે તૈયાર કયુઁ છે.

32વિદેશીઓ માટે તે પ્રકટીકરણનો પ્રકાશ છે,અને ઇઝરાયેલી લોકોનો મહિમા છે.”

33તેમના વિશે જે કહેવામાં આવ્યું હતું તે સાંભળીને બાળકનાં પિતા અને માતા ઘણો અચંબો પામ્યાં. 34પછી શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો અને તેની માતા મરિયમને કહ્યું: “આ બાળક ઇઝરાયેલમાંના ઘણાંનાં પડવા તથા ઉઠવાનું અને જેની વિરુદ્ધ બોલવામાં આવશે તેની નિશાનીરૂપ થવા સારું ઠરાવેલો છે. 35જેથી ઘણાંનાં હૃદયોનાં વિચારો પ્રગટ થશે. અને વળી તરવાર તમારા પોતાના આત્માને પણ વીંધી નાંખશે.”

36હાન્ના નામની એક પ્રબોધિકા પણ ત્યાં હતી, તે આશેરના કુળની ફાનુએલની દીકરી હતી. તે ઘણી જ વૃધ્ધ હતી: તે તેના પતિની સાથે સાત વર્ષ લગ્ન પછી રહી હતી. 37અને પછી તે ચોર્યાસી વર્ષ સુધી વિધવા હતી. તેણે કદી મંદિર છોડયું નહિ, પણ રાતદહાડો પ્રાર્થના તથા ઉપવાસસહિત ભજન કર્યા કરતી. 38તે સમયે તે ત્યાં આવી અને તેણે ઈશ્વરની સ્તુતિ કરીને યરુશાલેમનાં ઉધ્ધારની વાટ જોનાર સર્વને બાળક વિશે કહેવા લાગી.

39જયારે યોસેફ અને મરિયમે પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે સઘળી વિધિઓ પૂરી કરી, ત્યારે ગાલીલના નાઝરેથમાં તેઓ પોતાનાં ઘરે પાછાં ફર્યા. 40અને છોકરો મોટો તથા બળવાન થતો ગયો, અને તે જ્ઞાનથી ભરપૂર હતો, અને ઈશ્વરની કૃપા તેના પર હતી.

છોકરો ઈસુ મંદિરમાં

41ઈસુનાં માબાપ દર વર્ષે પાસ્ખાપર્વમાં યરુશાલેમ જતાં. 42જયારે તે બાર વર્ષનાં થયા, ત્યારે તેઓ રિવાજ પ્રમાણે પર્વમાં ગયા. 43પર્વની ઉજવણી પૂરી થઇ પછી, જયારે તેમના માતાપિતા ઘરે પાછાં વળતા, છોકરો ઈસુ યરુશાલેમમાં પાછળ રહી ગયો પણ તેઓ તેનાથી અજાણ હતા. 44તેમણે વિચાયુઁ કે તે સંઘમાં હશે, તેઓએ એક દિવસનો મુસાફરી કરી, પછી તેઓએ સગાવહાલાંઓમાં તથા મિત્રોમાં તેમની શોધ કરી, 45જયારે તે તેઓને મળ્યો નહિ, ત્યારે તેઓ તેમને શોધવાં યરુશાલેમ પાછાં ગયાં. 46ત્રણ દિવસ પછી તેઓને તેમને મંદિરનાં આંગણાંમાં ગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભળતા અને તેમને પ્રશ્નો પૂછતાં જોયા. 47જેઓએ તેમને સાંભળ્યું તેઓ તેમની સમજણ અને તેમના જવાબોથી આશ્ચયઁચકિત થઈ ગયા. 48જયારે તેમના માબાપે તેમને જોયા તેઓ આશ્ચર્ય પામ્યાં. તેમની માએ તેમને કહ્યું, “દીકરા! અમારી સાથે તેં આવું વર્તન શા માટે કર્યું? તારા પિતા અને હું ચિંતિત થઇને તારી શોધ કરી!”

49તેમણે કહ્યું, “તમે શા માટે મારી શોધ કરી? શું તમને ખબર નથી કે મારે મારા પિતાનાં ઘરે હોવું જોઈએ?” 50પણ તે શું કહેવા માગતા હતા તે તેઓ સમજી શક્યાં નહિ.

51પછી તે તેઓની સાથે નાઝરેથ પાછા ફર્યા અને તેઓને આધીન રહ્યા. તેમની માતાએ આ બધી વાતો તેના મનમાં રાખી. 52અને ઈસુ જ્ઞાનમાં અને કદમાં તથા ઈશ્વરની અને માણસોની પ્રસન્નતામાં વધતા ગયા.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]