Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 3 OGCB

Side by side with the Father's Heart Bible™

લંગડા માણસને સાજાપણું

1એક દિવસ પિતર અને યોહાન બપોરે ત્રણ વાગે પ્રાર્થનાનાં સમયે મંદિરમાં જતા હતા. 2હવે એક જન્મથી લંગડા એક માણસને લોકો દરરોજ ઊંચકીને લઈ જતા અને મંદિરમાં સુંદર નામના દરવાજે બેસાડતા હતા. ત્યાં તેને મંદિરમાં જતા લોકો પાસેથી તે ભીખ માગતો. 3જયારે તેણે પિતર અને યોહાન અંદર જતા જોયા તેણે તેમની પાસે પૈસા માંગ્યાં. 4પિતરે અને યોહાને તેની સામે એકીનજરે જોઈને કહ્યું, “અમારા તરફ જો.” 5તે માણસે કંઈક મદદ મળવાની આશાથી તેઓ પર ધ્યાન આપ્યું.

6પછી પિતરે કહ્યું, “મારી પાસે સોનું કે ચાંદી નથી પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. નાઝરેથના ઈસુ મસીહના નામે, ચાલ.” 7પછી તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડયો. અને તરત તેના પગ તથા ઘુંટિઓમાં જોર આવ્યું. 8તે કૂદીને ઊભો થઈ ગયો ને ચાલવા લાગ્યો. પછી ચાલતો, ને કૂદતો, ઈશ્વરની સ્તુતિ કરતો તે તેઓની સાથે મંદિરનાં આંગણાંમાં ગયો. 9ત્યારે બધા લોકોએ તેને ચાલતો ને ઈશ્વરની સ્તુતિ કરતો જોયો, 10તેઓએ તેને ઓળખી લીધો કે તે એ જ માણસ છે, જે દરરોજ મંદિરના સુંદર નામનાં દરવાજા આગળ ભીખ માંગતો હતો અને તેને જે થયું હતુ તેનાથી, તેઓ સર્વ આશ્ચર્યચકિત થઈ ગયા.

પિતર જોનારાઓની સાથે વાત કરે છે

11તે માણસ પિતર અને યોહાનને પકડી રહયો હતો, પણ સર્વ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા અને સોલોમોનની પરસાળ નામની જગ્યાએ તેમની પાસે દોડી આવ્યા. 12જયારે પિતરે આ જોયું, ત્યારે તેણે તેઓને કહ્યું: “ઓ, ઇઝરાયેલી ભાઈઓ, તમને નવાઈ શેની લાગે છે? તમે અમને ધારી ધારીને શા માટે જોઈ રહ્યા છો? જાણે અમે અમારા સામર્થ્યથી કે ધાર્મિકતાથી આ માણસને ચાલતો કર્યા હોય? 13અબ્રાહમનાં, ઇસહાકનાં, યાકોબનાં તથા આપણા પૂર્વજોનાં ઈશ્વરે પોતાના સેવક ઈસુને મહિમાવાન કયોઁ છે, તમે તેમને મારી નાંખવા માટે સોંપી દીધા, અને પિલાતે તેમને છોડી દેવાનુ નક્કી કર્યુ છતાં તમે તેમનો નકાર કયોઁ. 14તમે આ પવિત્ર અને ન્યાયી માણસને છોડી મૂકવાને બદલે એક ખૂનીને મુક્ત કરવાની માંગણી કરી. 15તમે જીવનનાં સ્વામીને મારી નાખ્યા, પણ ઈશ્વરે તેમને મરણમાંથી સજીવન કર્યા. અને અમે તેના સાક્ષી છીએ. 16ઈસુનાં નામ પરના વિશ્વાસથી, આ માણસ જેને તમે જોવો છો અને ઓળખો છો, ઈસુના નામ દ્વારા શકિતમાન કર્યો અને તેમના પરના વિશ્વાસે તમે બધા જોઈ શકો છો કે તેને સંપૂર્ણ સાજાપણું મળ્યું છે.

17“હવે ઇઝરાયેલી ભાઈઓ, હું જાણું છું કે જેમ તમારા આગેવાનો તેમ તમે એ અજ્ઞાનતાથી આ કામ કર્યું હતું. 18પરંતુ ઈશ્વરે બધા પ્રબોધકો દ્વારા જણાવેલુ ભવિષ્યવચન પૂર્ણ કર્યું કે મસીહે આ બધું સહેવું. 19પસ્તાવો કરો અને પછી ઈશ્વર તરફ વળો જેથી તમારાંં પાપ ભૂંસી નાંખવામાં આવે, અને પ્રભુ તરફથી તાજગીના સમયો પ્રાપ્ત થાય. 20અને મસીહ, જેને તમારા માટે ઠરાવવામાં આવ્યા છે તેમને એટલે ઈસુને મોકલે. 21જયાં સુધી ઈશ્વરે પોતાના પવિત્ર પ્રબોધકો મારફતે ઘણા સમય પહેલાં જે વચનો ઉચ્ચાર્યા છે તે બધુ પુનઃસ્થાપિત કરવાનો સમય ન આવે ત્યાં સુધી તેમણે સ્વર્ગમાં રહેવું જોઈએ. 22કેમકે મોશેએ કહ્યું હતું કે: ‘પ્રભુ, તમારા ઈશ્વર, મારા જેવા એક પ્રબોધકને તમારાં પોતાના લોકોમાંથી તમારા માટે ઊભો કરશે. અને તે જે કહે તે સઘળું તમારે સાંભળવું. 23જે કોઈ તે પ્રબોધકનું નહિ સાંભળે, તેનો લોકમાંથી પૂરેપૂરો નાશ થશે.’

24“શમુએલથી માંડીને જેટલા પ્રબોધકો બોલ્યા છે તે બધાએ આ દિવસો વિષે અગાઉથી કહ્યું છે. 25અને તમે પ્રબોધકોનાં વારસ છો, ઈશ્વરે તમારાં પૂર્વજો સાથે જે કરાર કર્યા તેનાં તમે ભાગીદાર છો, તેમણે અબ્રાહમને કહ્યું હતું કે તારા સંતાન દ્રારા પૃથ્વીનાં તમામ લોકોને હું આશીર્વાદ આપીશ. 26જયારે ઈશ્વરે તેમના સેવકને ઉભો કયોઁ, ત્યારે સૌ પ્રથમ તમારી પાસે મોકલ્યા એ માટે કે તે તમને તમારાંં દુષ્ટ માગોઁથી ફેરવીને તમને આશીર્વાદ આપે.”

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]