Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Revelation 5 guj

Side by side with the Father's Heart Bible™

1રાજ્યાસન પર જે બિરાજેલા હતા તેમના જમણાં હાથમાં મેં એક ઓળિયું જોયું, તેની અંદરની તથા બહારની બન્ને બાજુએ લખેલું હતું, તથા સાત મુદ્રાથી તે સીલબંધ કરેલું હતું. 2તેવામાં મેં એક બળવાન સ્વર્ગદૂતને જોયો, તેણે મોટા અવાજે પોકારીને કહ્યું કે, 'આ ઓળિયું ખોલવાને અને તેનું સીલ તોડવાને કોણ યોગ્ય છે?'

3પણ સ્વર્ગમાં, પૃથ્વી પર અથવા પાતાળમાં, તે ઓળિયું ખોલવાને અથવા તેમાં જોવાને કોઈ સમર્થ નહોતો. 4ત્યારે હું બહુ રડ્યો, કારણ કે તે ઓળિયું ખોલવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય વ્યકિત મળી નહિ. 5ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે, તું રડીશ નહીં; જો, યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું મૂળ છે, તે આ ઓળિયું ખોલવાને તથા તેના સાત સીલ [તોડવાને] વિજયી થયો છે.

6રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચ્ચે તથા વડીલોની વચ્ચે મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું, તેને સાત શિંગડાં તથા સાત આંખ હતી; એ આંખો ઈશ્વરના સાત આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે. 7તેમણે જઈને રાજ્યાસન પર બેઠેલાના જમણાં હાથમાંથી તે ઓળિયું લીધું.

8જયારે તેમણે તે ઓળિયું લીધું, ત્યારે ચારેય પ્રાણી તથા ચોવીસ વડીલોએ હલવાન આગળ નમી પડ્યા; અને દરેકની પાસે વીણા તથા ધૂપથી ભરેલાં સુવર્ણ પાત્ર હતાં, તે ધૂપ સંતોની પ્રાર્થનાઓ છે.

9તેઓ નવું ગીત ગાતાં કહે છે કે, તમે ઓળિયું લેવાને તથા તેનું સીલ તોડવાને યોગ્ય છો; કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા, તમે તમારા રક્તથી ઈશ્વરને સારુ સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને ખરીદેલા છે; 10તેઓને અમારા ઈશ્વરને સારુ રાજ્ય તથા યાજકો કર્યા છે; અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે.

11મેં જોયું, તો રાજ્યાસન, પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણાં સ્વર્ગદૂતોની વાણી સાંભળી; તેઓની સંખ્યા લાખોલાખ અને હજારોહજાર હતી. 12તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે, 'જે હલવાન મારી નંખાયેલું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે.'

13વળી ઉત્પન્ન થયેલ [પ્રાણી] જે સ્વર્ગમાં, પૃથ્વી પર, પાતાળમાં તથા સમુદ્રમાં છે, તેઓમાંનાં સર્વને મેં એમ કહેતાં સાંભળ્યાં કે, રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા અધિકાર સદાસર્વકાળ હો.

14ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું, આમીન. પછી વડીલોએ પગે પડીને [તેમની] આરાધના કરી.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]