Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Psalms 22 guj

Side by side with the Father's Heart Bible™

1હે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે?મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને તમે એટલે દૂર કેમ રહો છો?

2હે મારા ઈશ્વર, હું દિવસે પોકાર કરું છું, પણ તમે મને જવાબ આપતા નથી;અને રાત્રે પણ હું ચૂપ રહેતો નથી!

3તોપણ, હે ઇઝરાયલનાં સ્તોત્ર પર બિરાજમાન,તમે પવિત્ર છો.

4અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો;તેઓએ ભરોસો રાખ્યો હતો અને તમે તેઓને છોડાવ્યા.

5તેઓએ તમને પ્રાર્થના કરી અને તેઓ બચી ગયા.તેઓએ તમારા પર ભરોસો રાખ્યો અને નિરાશ થયા નહિ.

6પણ હું તો માત્ર કીડો છું, માણસ નથી,માણસોથી ધિક્કાર પામેલો અને લોકોથી તુચ્છ ગણાયેલો છું.

7જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે;તેઓ મોં ફેરવીને માથું ધુણાવીને કહે છે.

8તેઓ કહે છે, "તું યહોવાહ પર ભરોસો રાખ;યહોવાહ તને છોડાવશે.તે તારા પર રાજી છે, માટે તે બચાવશે."

9તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો;જ્યારે હું મારી માતાનું દૂધ પીતો હતો, ત્યારે તમે મારામાં ભરોસો ઉપજાવ્યો.

10હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છુંમારી માતાના ગર્ભમાં હતો ત્યારથી તમે મારા ઈશ્વર છો!

11તમે મારાથી દૂર ન જાઓ, કેમ કે સંકટ પાસે છે;મને સહાય કરનાર કોઈ નથી.

12ઘણા સાંઢોએ મને ઘેરી લીધો છે;બાશાનના બળવંત સાંઢ મારી આસપાસ ફરી વળ્યા છે.

13ફાડી ખાનાર તથા ગર્જનાર સિંહની જેમતેઓ મારી સામે પોતાનું મોં ઉઘાડે છે.

14જેમ પાણી વહી જાય તેમ, મારી શક્તિ ચાલી ગઈ છેઅને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે.મારું હૃદય મીણના જેવું બની ગયું છે;તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે.

15મારું બળ વાસણના એક તૂટેલા ટુકડા જેવું સુકું થઈ ગયું છે;મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે.તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે.

16કારણ કે મારી આસપાસ કૂતરા ફરી વળ્યા છે;મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છેતેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.

17હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું.તેઓ મને ધારીને જુએ છે;

18તેઓ મારાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લે છે,તેઓ મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠી નાખે છે.

19હે યહોવાહ, મારાથી દૂર ન જાઓ;હે મારા સામર્થ્ય, મારી મદદે આવો.

20મને આ તરવારથી બચાવો,મારા મૂલ્યવાન જીવનને આ કૂતરાના કબજામાંથી છોડાવો.

21મને સિંહોનાં મોંમાંથી બચાવો;તમે જંગલી સાંઢોના શિંગડાંઓથી મારું રક્ષણ કરો.

22હું મારા ભાઈઓમાં તમારું નામ પ્રગટ કરીશ;હું ભરી સભામાં તમારી સ્તુતિ કરીશ.

23હે યહોવાહનો ભય રાખનારાઓ, તેમનાં ગુણગાન ગાઓ!તમે બધા યાકૂબના વંશજો, તેમને માન આપો!હે ઇઝરાયલના સર્વ વંશજો, તમે તેમનું ભય રાખો.

24કેમ કે તેમણે દુઃખીઓના દુઃખને તુચ્છ ગણ્યું નથી અને તેનાથી કંટાળ્યા નથી;યહોવાહે તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી;જ્યારે તેણે મદદને માટે અરજ કરી, ત્યારે તેમણે તેનું સાંભળ્યું.

25હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું;તેમનું ભય રાખનારાઓની આગળ હું મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ.

26દરિદ્રીઓ ખાઈને તૃપ્ત થશે;જેઓ યહોવાહને શોધે છે, તેઓ તેમની સ્તુતિ કરશે.તમારું હૃદય સર્વકાળ જીવો.

27પૃથ્વીના સર્વ લોકો યહોવાહને સંભારીને તેમની તરફ ફરશે;વિદેશીઓનાં સર્વ કુટુંબો તમારી આગળ આવીને પ્રણામ કરશે.

28કારણ કે રાજ્ય યહોવાહનું છે;તે સર્વ પ્રજા પર રાજ કરે છે.

29પૃથ્વીના સર્વ મોટા લોકો ખાશે તથા પ્રણામ કરશે;જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવનેબચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે.

30તેઓના વંશજો પ્રભુ ઈશ્વરની સેવા કરશે;આવતી પેઢીની આગળ તેઓને તેનું ન્યાયીપણુ પ્રગટ કરવામાં આવશે.

31તેઓ આવશે અને હવે પછી જન્મનારા લોકોને;તેઓનું ન્યાયીપણું પ્રગટ કરીને કહેશે કે, તેમણે તે કર્યું છે!

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]