Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Revelation 2 OGCB

Side by side with the Father's Heart Bible™

એફેસસની મંડળીને

1“એફેસસની મંડળીના દૂતને તું આ લખ: સાત તારાઓને પોતાના જમણા હાથમાં ધરી રાખનાર તથા સોનાની સાત સ્ટેન્ડની વચમાં ચાલનાર છે તે આ વાતો લખે છે:

2તારા કૃત્યો, તારો પરિશ્રમ તથા તારી ધીરજ વિશે હું જાણું છું. વળી હું એ પણ જાણું છું કે તું ભૂંડા માણસોને સહન કરી શકતો નથી, અને જેઓ પોતાને પ્રેષિત કહેવડાવે છે, પણ હકીકતમાં નથી તેઓને પારખી લીધા, ને તેઓ જૂઠા છે એમ તને માલૂમ પડયું. 3તેં મારા નામની ખાતર ધીરજથી દુઃખ સહન કર્યું છે, અને થાકી ગયો નથી.

4આમ છતાં તારી વિરુધ્ધ મારે આટલું છે કે: તે તારા પ્રથમનાં પ્રેમનો ત્યાગ કયોઁ છે. 5એ માટે તું જયાંથી પડયો છે તે યાદ કરીને પસ્તાવો કર, અને પહેલાંના જેવાં કામ કર. અને જો તું પસ્તાવો નહિ કરે તો હું તારી પાસે આવીશ અને તારા સ્ટેન્ડને તેના સ્થાનેથી દૂર કરી નાંખીશ. 6પરંતુ તારામાં આ એક સારી બાબત પણ છે: તું સ્વછંદી નિકલાયતીઓનાં કામને મારી જેમ જ ધિક્કારે છે.

7આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તે દરેકને હું પારાદૈસમાંના જીવનના વૃક્ષનું ફળ આપીશ.

સ્મર્નાની મંડળીને

8“સ્મર્નાની મંડળીના દૂતને તું આ લખ: જે પ્રથમ તથા છેલ્લા છે, જે મૃત્યુ પામ્યા હતા અને સજીવન થયા છે તે આ વાતો લખે છે:

9હું તારી વિપતિ તથા ગરીબાઈ વિશે જાણું છું, તોપણ તું ધનવાન છે! હું નિંદા કરનારને જાણું છું કે જેઓ કહે છે તેઓ યહૂદી છે પણ તેઓ એવા નથી પણ શેતાનનાં સભાસ્થાનનાં છે. 10તારા પર જે આવી પડવાનું છે તેથી તું ગભરાઈશ નહિ, કેમકે શેતાન તમારાંમાંના કેટલાકને કસોટીને અર્થે જેલમાં નંખાવશે, અને દસ દિવસ સુધી તમારી સતાવણી થશે. મરણની ઘડી સુધી તું વિશ્વાસુ રહેજે, અને હું તને જીવનનો મુગટ આપીશ.

11આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે: જે જીતે છે તેના માટે બીજા મરણની કોઇ ઇજા થશે નહિ.

પેર્ગામમની મંડળીને

12“પેર્ગામમમાંની મંડળીના દૂતને લખ: જેની પાસે તીક્ષ્ણ બેધારી તરવાર છે તે આ વાતો કહે છે.

13હું જાણું છું કે તું કયાં રહે છે, જયાં શેતાનની ગાદી છે ત્યાં. છતાં તું મારા નામને વળગી રહે છે. અને જયારે મારા વિશ્વાસુ સાક્ષી આન્તીપાસને મારી નાંખ્યો છે, જેને તારા શહેરમાં જયાં શેતાન રહે છે, ત્યાં મારી નાખવામાં આવ્યો, તે સમયે પણ, તેં મારા પરનો વિશ્વાસ છોડયો નહિ.

14છતાં, મારે તારી વિરુધ્ધ કેટલીક વાતો કહેવાની છે. તમારામાનાં કેટલાક એવા છે કે જે બલામના શિક્ષણને વળગી રહે છે, જેણે બાલાકને ઇઝરાયેલીઓને પાપ કરવા માટે શીખવ્યું હતું. જેથી તેઓ મૂતિઁઓનું નૈવેદ ખાય અને વ્યભિચાર કરે. 15અને એ જ રીતે તમારી પાસે એવા લોકો પણ છે કે જેઓ નિકલાયતીઓનાં શિક્ષણને વળગી રહે છે. 16તેથી તું પસ્તાવો કર! નહિ તો હું તારી પાસે જલ્દી આવીને મારા મુખની તરવારથી તેઓની સાથે લડીશ.

17આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે: વિજય મેળવનારને હું ગુપ્ત રાખેલ માન્ના ખાવા આપીશ. અને હું શ્વેત પથ્થર આપીશ. તે પથ્થર પર એક નવું નામ લખેલું છે, જે તેને મેળવનાર સિવાય બીજું કોઈ જાણતું નથી.

થૂઆતૈરાની મંડળીને

18“થૂઆતૈરાની મંડળીના દૂતને લખ: જેની આંખો અગ્નિની જવાળા જેવી છે અને જેનાં પગ ચમકતા પિતળ જેવા છે તે ઈશ્વરપુત્ર તેના આ વચનો છે.

19તારાં કામ, તારો પ્રેમ, વિશ્વાસ, તારી સેવા અને તારી ધીરજ હું જાણું છું. અને તારા છેલ્લા કામ પહેલાના કરતા અધિક છે, એ પણ હું જાણું છું.

20તોપણ મારે તારી વિરુદ્ધ આટલું કહેવાનું છે: ઈઝેબેલ, જે પોતાને પ્રબોધિકા તરીકે કહેવડાવે છે, તે સ્ત્રીને તું સહન કરે છે, તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓના નૈવેદ ખાવાને શીખવે છે અને ભમાવે છે. 21મેં તેને અનૈતિકતાથી પસ્તાવો કરે માટે મેં તેને સમય આપ્યો, પરંતુ તેણે જાણ્યું નહિ. 22તેથી હું તેને પથારીવશ કરીશ અને તેની સાથે જેઓ વ્યભિચાર કરે છે તેઓ જો પોતાનાં પાપનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપતીમાં નાંખીશ. 23તેનાં બાળકોને હું મારી નાંખીશ અને સર્વ મંડળીઓ જાણશે કે હું મન તથા હ્રદયનો પારખનાર છું, વળી હું તમો સર્વને તમારી કરણી પ્રમાણે બદલો આપીશ.

24હવે, થૂઆતૈરામાં વસનાર બાકીનાં તમે જેઓ તેનો બોધ માનતાં નથી, અને શેતાનનાં ઊંડા મર્મોનાં શિક્ષણને અનુસર્યા નથી, ‘તેઓ પર હું કોઈ બીજો બોજ મૂકવાં માંગતો નથી. 25તોપણ તમારી પાસે જે છે તેને હું આવું ત્યાં સુધી વળગી રહો.’

26જે વિજય પામે છે અને અંત સુધી મારી ઈચ્છા પ્રમાણે કરે છે તેને હું પ્રજાઓ પર અધિકાર આપીશ, 27તે લોઢાના દંડથી તેઓ પર અધિકાર ચલાવશે અને કુંભારની જેમ તેઓના કકડેકકડા કરી નાખશે. જેમ હું મારા પિતા પાસેથી અધિકાર પામ્યો છું. 28વળી હું પ્રભાતનો તારો પણ આપીશ. 29આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]