Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Philippians 4 OGCB

Side by side with the Father's Heart Bible™

સ્થિરતા અને એકતા માટે અંતિમ અપીલ

1તેથી, મારા ભાઈઓ અને બહેનો જેમને હું પ્રેમ કરું છું અને જેની રાહ જોઉં છું, મારો આનંદ અને મુગટ, એવી જ રીતે પ્રિય મિત્રો પ્રભુમાં સ્થિર રહો.

2હવે યુઓદિયા તથા સુન્તેખેને હું વિનંતી કરું છું કે, તેઓ પ્રભુમાં એક મનનાં થાય. 3હા, અને હું તમને વિનંતી કરું છું મારા ખરાં સાથીદાર, આ બન્ને બહેનોને તું મદદ કરજે. કેમકે સુસમાચાર પ્રગટ કરવામાં તેઓએ કલેમેન્ટની સાથે મારા બીજા સાથીદારો સાથે, કે જેઓનાં નામ જીવનનાં પુસ્તકમાં લખેલાં છે તેઓની સાથે પણ કામ કર્યું છે.

અંતિમ ઉતેજન

4પ્રભુમાં સદા આનંદ કરો, હું ફરીથી કહું છું કે: આનંદ કરો. 5તમારી નમ્રતા બધાને પ્રગટ થવા દો, પ્રભુ નજીક છે. 6કોઈ પણ બાબતની ચિંતા ન કરો, પણ દરેક બાબત માટે પ્રાર્થના કરો અને તમારી માંગણીઓ આભારસ્તુતિ સાથે તમારી અરજો ઈશ્વરને જણાવો. 7અને ઈશ્વરની શાંતિ, જે બધીજ સમજશક્તિની બહાર છે, તે મસીહ ઈસુમાં તમારાંં મનોને તથા હૃદયોને સ્વસ્થ અને નિશ્ચિંત બનાવશે.

8છેવટે ભાઈઓ અને બહેનો, જે કાંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુધ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકિતિઁમાન છે; જો કોઈ સદગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો. 9મારી પાસેથી તમે જે શીખ્યાં તથા પામ્યા તથા સાંભળ્યું તથા મારાંમાં જે જોયું તે બધું આચરણમાં મૂકો અને શાંતિના ઈશ્વર તમારી સાથે રહેશે.

તેમના દાનો માટે આભાર

10મારાં વિષેની તમારી ચિંતા આખરે ફરીથી તાજી થઈ છે, તેને લીધે હું પ્રભુમાં ઘણો આનંદ કરું છું, તેમાં તમે ચિંતા કરતાં હતા પણ તે બતાવવાને તમને કોઇ તક મળી નહિ. 11હું આ વાત એટલા માટે નથી કહેતો કે મને તંગી છે, કેમકે ગમે તે પરિસ્થિતીમાં સંતોષથી રહેવા માટે હું શીખ્યો છું. 12હું જાણું છું કે જરૂરિયાતમાં રહેવું શું છે અને પુષ્કળ થવું પણ જાણું છું, ભલે તૃપ્ત હોઉં કે ભૂખ્યો હોઉં, ભલે પુષ્કળ હોય કે તંગી હોય, હું સર્વ પરિસ્થિતિમાં સંતોષથી રહેવા શીખ્યો છું. 13જે મને સામર્થ્ય આપે છે, તેનાથી સઘળું હું કરી શકું છું.

14એમ છતાં, તમે મારી મુશ્કેલીમાં ભાગીદાર થયા તે સારું કર્યું છે. 15વધુમાં, જેમ તમે ફિલિપ્પીઓ જાણો છો, સુસમાચાર સાથે પરિચિત થયાના શરૂઆતના દિવસોમાં, જયારે હું મકદોનિયાથી નીકળ્યો, ત્યારે આપવાં લેવામાંની બાબતમાં એકલાં તમારા વિના બીજી કોઇ મંડળીએ ભાગ લીધો ન હતો; 16અને, જયારે હું થેસ્સાલોનિકામાં જરૂરિયાતમાં હતો ત્યારે તમે ઘણી વખત મદદ મોકલી હતી. 17હું તમારાં દાન ઇચ્છતો નથી પણ તમારાં લાભમાં ઘણું ફળ થાય, એવી મારી ઇચ્છા છે. 18મારી પાસે બધું જ છે અને તે પણ જોઈએ તે કરતાં વધુ, એપાફ્રાદિતસ દ્વારા મોકલાવેલાં તમારાંં દાનોથી ભરપૂર છું. એ દાનો તો સુગંધિત અપઁણ, અને માન્ય બલિદાન છે, જે ઈશ્વરને પસંદ છે. 19અને મારા ઈશ્વર મસીહ ઈસુમાં પોતાના મહિમાની સંપતી પ્રમાણે તમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડશે.

20આપણા ઈશ્વર પિતાને સદાસર્વકાળ મહિમા હો! આમીન.

છેલ્લી શુભેચ્છાઓ

21મસીહ ઈસુમાં ઈશ્વરનાં બધા લોકોને શુભેચ્છા. મારા સાથી ભાઈઓ પણ શુભેચ્છા પાઠવે છે.

22વળી અહીંના બધા ઈશ્વરનાં લોકો શુભેચ્છા પાઠવે છે, ખાસ કરીને જેઓ કૈસરનાં ઘરનાં છે તેઓ.

23પ્રભુ ઈસુ મસીહની કૃપા તમારાં આત્માની સાથે હો. આમીન!

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]