Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Mark 1 OGCB

Side by side with the Father's Heart Bible™

યોહાન બાપ્તિસ્ત માગઁ તૈયાર કરે છે

1ઈશ્વરપુત્ર ઈસુ મસીહની અદભુત વાતનો આરંભ આ પ્રમાણે છે, 2જેમ યશાયા પ્રબોધકમાં લખવામાં આવ્યું છે તેમ:“હું તમારી આગળ મારો સંદેશવાહક મોકલીશ,જે તમારો માગઁ તૈયાર કરશે.”

3“અરણ્યમાં પોકારનારની એક વાણી,‘પ્રભુને માટે માગઁ તૈયાર કરો,તથા તેમના માટે રસ્તા સીધા કરો.’ ”

4યોહાન બાપ્તિસ્ત પોકારનારની વાણી તરીકે તે અરણ્યમાં આવ્યો, તેણે ઉપદેશ આપ્યો, તે પાપોની માફી માટે પસ્તાવાનું બાપ્તિસ્માનો ઉપદેશ આપી રહ્યો છે. 5યોહાનને સાંભળવા સઘળાં લોકો આખા યહૂદિયાના ગામોમાંથી અને યરુશાલેમથી ગયા. તેઓ પોતાનાં પાપની કબૂલ કરી, યર્દન નદીમાં તેમનાથી તેઓ બાપ્તિસ્મા પામ્યાં. 6યોહાનનાં વસ્ત્ર ઊંટના વાળમાંથી બનેલાં હતાં, તે કમરે ચામડાંનો પટ્ટો બાંધતો. તીડો તથા રાની મધ તેનો ખોરાક હતો. 7તેનો ઉપદેશ આ પ્રમાણે હતો, “જુઓ, કોઈ મારી પાછળ આવી રહ્યું છે, તે મારા કરતા અતિ સમથઁ છે. હું તેમનાં ચંપલની દોરી છોડવાને પણ યોગ્ય નથી. 8હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું; પણ તે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપશે.”

ઈસુનું બાપ્તિસ્મા અને પ્રલોભન

9એક દિવસ ઈસુ ગાલીલના નાઝરેથથી ત્યાં આવ્યા અને યર્દન નદીમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા. 10ઈસુ પાણીમાંથી બહાર આવતા, એ જ ક્ષણે તેમણે આકાશ ઊઘડેલું અને પવિત્ર આત્માને કબૂતરના રૂપમાં પોતા પર ઊતરતો જોયો. 11અને આકાશમાંથી વાણી સંભળાઈ: “તું મારો પ્રિય પુત્ર છે, તારા પર હું પ્રસન્ન છું.”

12તરત જ ઇશ્વરનો આત્મા ઈસુને અરણ્યમાં દોરી ગયો. 13ત્યાં તે ચાળીસ દિવસ તે સમયે તેમને પાપમાં પાડવાં શેતાન તેમના પર પરીક્ષણો લાવતો હતો, તે જંગલી પ્રાણીઓ મધ્યે હતા. પછી દૂતોએ આવીને તેમની સેવા કરી.

ઈસુ સુસમાચાર પ્રગટ કરે છે,

14યોહાનને જેલમાં પૂર્યો તે પછી ઈસુ ગાલીલમાં ગયા, અને ઈશ્વરનો સુસમાચાર પ્રગટ કરવા લાગ્યા, 15“સમય આવી ચૂકયો છે, ઈશ્વરનું રાજ્ય નજીક આવી પહોંચ્યું છે. પસ્તાવો કરો, ને સુસમાચાર પર વિશ્વાસ કરો.”

પ્રથમ શિષ્યોને આમંત્રણ

16એક દિવસે, ઈસુ ગાલીલના સમુદ્ર કિનારે ચાલતાં હતા ત્યારે તેમણે સિમોન તથા તેના ભાઈ આન્દ્રિયાને સમૃ્દ્રમાં જાળ નાખતા જોયા, તેઓ માછીમાર હતા. 17ઈસુએ કહ્યું, “આવો, મારી પાછળ ચાલો, હું તમને માણસોનાં પકડનારા બનાવીશ.” 18તરત પોતાની જાળો મૂકીને તેઓ તેમની પાછળ ચાલી નીકળ્યાં.

19કિનારા પર થોડે આગળ જતાં તેમણે ઝબદીના દીકરા યાકોબ અને યોહાનને એક હોડીમાં પોતાની જાળો સાંધતા જોયા. 20તરત તેઓને પણ તેમણે બોલાવ્યાં, તેઓ પોતાના પિતા ઝબદીને નોકરો સાથે વહાણમાં મૂકીને તેમની પાછળ ગયા.

ઈસુ અશુદ્ધ આત્માને કાઢે છે

21અને જયારે સાબ્બાથવાર આવ્યો, ત્યારે તેઓ કપરનાહૂમ ગયા, વિશ્રામવારે યહૂદી સભાસ્થાનમાં જઈને ઈસુએ ઉપદેશ આપ્યો. 22લોકો તેમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા, ઈસુ અધિકારથી બોલતા હતા, નિયમશાસ્ત્રના પંડિતોની જેમ તેઓ ન હતાં. 23અશુધ્ધ આત્મા વળગેલો એક માણસ સભાસ્થાનમાં હતો, તે બૂમો પાડીને કહેવા લાગ્યો. 24“ઓ નાઝરેથના ઈસુ, અમારે ને તારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો; એ હું જાણું છું કે તમે ઈશ્વરના પવિત્ર છો!”

25ઈસુએ તેને ધમકાવ્યો, “ચૂપ રહે, તેનામાંથી બહાર નીકળી જા.” 26અશુધ્ધ આત્માએ તે માણસને જમીન પર પછાડીને જોરથી ચીસ પાડીને તે તેનામાંથી બહાર નીકળી ગયો.

27બધા લોકો એટલા આશ્ચર્યચકિત થઈ ગયા કે તેઓએ એકબીજાને પૂછ્યું, “આ શું છે? એક નવું શિક્ષણ અને સત્તા સાથે! તે અશુદ્ધ આત્માઓને પણ હુકમ આપે છે અને તેઓ તેનું પાલન કરે છે.” 28તેમના આ સમાચાર વાયુવેગે સમગ્ર ગાલીલમાં ફેલાઈ ગયા.

ઘણા લોકો સાજા થયા

29તરત તેઓ ઈસુની સાથે યાકોબ અને યોહાન સભાસ્થાનમાંથી નીકળીને સિમોન અને આન્દ્રિયાના ઘરે ગયા. 30ત્યાં સિમોનની સાસુ સખત તાવથી પથારીમાં હતી, તરત તેઓએ ઈસુને તે વિશે વાત કરી. 31તેઓ તેની પાસે ગયા, અને તેનો હાથ પકડીને તેને બેઠી થવા મદદ કરી, તેનો તાવ ઊતરી ગયો અને તે તેમની સેવા કરવા લાગી.

32સાંજે સૂરજ આથમ્યા પછી લોકો બીમાર અને અશુધ્ધ આત્માથી વળગેલા બધાને ઈસુની પાસે લાવ્યા. 33બારણાં આગળ આખું શહેર એકત્ર થયું. 34અને સાંજે ઈસુએ ઘણાં લોકોને સાજાં કર્યા અને ઘણા અશુધ્ધ આત્માઓને પણ કાઢયાં. પણ તેમણે અશુધ્ધ આત્માઓને બોલવાં ન દીધા કારણ ઈસુ કોણ છે તે તેઓ જાણતા હતા.

ઈસુ એકાંતમાં પ્રાથઁના કરે છે

35વહેલી સવારે, હજી અંધારું હતું, ત્યારે ઈસુ ઉઠ્યા, ઘર છોડી ને એકાંત જગ્યાએ જઈ તેમણે ત્યાં પ્રાર્થના કરી. 36સિમોને અને બીજાઓએ જઈને તેમની શોધ કરી. 37ઈસુ મળ્યાં ત્યારે તેઓએ કહ્યું, “બધાં તમને શોધી રહ્યા છે.”

38ઈસુએ ઉત્તર આપ્યો, “આપણે બીજા ગામોમાં પણ જવું જોઈએ અને ત્યાં પણ મારે ઉપદેશ આપવો જોઈએ, એ માટે હું આવ્યો છું.” 39પછી આખા ગાલીલ પ્રાંતમાં ફરીને તેમણે સભાસ્થાનોમાં ઉપદેશ કરતા, અને અશુધ્ધ આત્માઓ કાઢતા હતા.

રકતપિતનો રોગી શુધ્ધ કરાયો

40એક વાર રકતપિતનો રોગી ઈસુ પાસે આવીને ઘૂંટણે પડયો અને સાજા થવા આજીજી કરવા લાગ્યો, “જો તમે ચાહો તો મને શુધ્ધ કરી શકો છો.”

41ઈસુનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું, હાથ લાંબો કરી તેને સ્પર્શ કરી તે બોલ્યાં, “હું ચાહું છું કે તું શુધ્ધ થા.” 42તત્કાળ તેનો રકતપિત જતો રહ્યો અને તે માણસ સાજો થયો.

43ઈસુએ તેને મોકલીને ભારપૂર્વક કહ્યું, જા! 44“જો જો આ વાત કોઈને ન કહેતો, પણ જઈને, તારી જાતને યાજકને બતાવ અને તેઓને સાક્ષી તરીકે શુધ્ધિકરણ માટે મોશેએ આજ્ઞા આપી હતી તે બલિદાનો ચઢાવ.” 45તેના બદલે તે બહાર ગયો અને સમાચાર ફેલાવીને મુક્તપણે વાત કરવા લાગ્યો. પરિણામે, ઈસુ હવે જાહેરમાં નગરમાં પ્રવેશી શક્યા નહિ, પણ બહાર એકાંતમાં રહ્યા તેમ છતાં, લોકો હજુ પણ દરેક જગ્યાએથી તેમની પાસે આવતા હતા.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]