Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 9 OGCB

Side by side with the Father's Heart Bible™

ઈસુ બારને બહાર મોકલે છે

1જયારે ઈસુએ બાર શિષ્યોને સાથે બોલાવ્યાં, ત્યારે તેમણે તેઓને સઘળાં અશુધ્ધ આત્માઓ કાઢવાનો તથા સર્વ રોગ મટાડવાનો પરાક્રમ અને અધિકાર આપ્યો 2અને તેમણે તેઓને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કરવા અને માંદાઓને સાજા કરવા બહાર મોકલ્યા. 3તેમણે તેઓને કહ્યું, “મુસાફરીમાં તમારી સાથે લાકડી, થેલી, ખોરાક, નાણાં કે વધારાનું શટઁ પણ લેતાં નહિ. 4જે કોઇ ઘરમાં તમે જાઓ છો, તે શહેર છોડો ત્યાં સુધી તેમાં રહો. 5જો લોકો તમારો આવકાર ન કરે તો તે શહેર છોડી દો અને તેઓની વિરુધ્ધ સાક્ષીરૂપ થવા તમારા પગની ધૂળ ખંખેરી નાંખજો.” 6પછી તેઓ ગામેગામ ફરીને સુસમાચાર પ્રગટ કરતા અને દરેક જગ્યાએ લોકોને સાજાપણું આપતાં.

7હવે હેરોદ રાજાએ જે ચાલી રહ્યું હતું તેના વિશે સાંભળ્યું, અને તે મુંઝવણમાં મુકાઈ ગયો, કારણ કે ઘણાં એમ કહેતાં હતા કે યોહાન મરણમાંથી સજીવન થયો છે, 8બીજા કહેતા કે એલિયા દેખાયો છે, અને વળી બીજા પ્રાચીન પ્રબોધકોમાંનો એક સજીવન થયો છે. 9પણ હેરોદે કહ્યું, “યોહાનનો મેં શિરચ્છેદ કરાવ્યો છે, તો પછી આ કોણ, જેનાં વિશે હું આવી વાતો સાંભળું છું?” અને તેણે તેમને મળવાની ઇચ્છા કરી.

ઈસુએ પાંચ હજારને જમાડયાં

10જયારે પ્રેષિતો પાછા આવ્યા ત્યારે તેઓએ જે જે કર્યું હતું તે ઈસુને કહી સંભળાવ્યું. પછી તેમણે તેઓને લઈને બેથસૈદા કહેવાતાં શહેરમાં લઇ ગયા. 11પણ ટોળાએ તે વિશે જાણી લીધું અને તેમની પાછળ ગયા. તેમણે તેઓને આવકાર્યા અને ઈશ્વરના રાજ્ય વિશે તેઓને કહ્યું, અને સાજાપણાની જરૂર હતી તેમને સાજાં કર્યા.

12સાંજ પડતાં પહેલાં શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, “ટોળાને મોકલો કે તેઓ નજીકનાં ગામોમાં જઈને આસપાસમાં પોતાને માટે ખાવાની અને રહેવાની વ્યવસ્થા કરે, કેમકે આપણે અહીં ઉજજડ સ્થળે છીએ.”

13તેમણે જવાબ આપ્યો, “તમે તેઓને કંઈક ખાવાનું આપો!” તેઓએ જવાબ આપ્યો, “અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે, અમે જઈને એ સઘળાં ટોળા માટે ખાવાનું વેચાતું લાવીએ.”

14(ત્યાં લગભગ પાંચ હજાર પુરુષો હતા.) પણ તેમણે પોતાનાં શિષ્યોને કહ્યું, “લોકોને પચાસ પચાસની પંગતમાં બેસાડો.”

15શિષ્યોએ તેમજ કયુઁ અને બધા બેસી ગયાં. 16પાંચ રોટલી અને બે માછલી લઇને ઈસુએ આકાશ તરફ જોઇને તેમણે આભાર માનીને તેમનાં ટુકડાં કરીને આપી, પછી તેમણે લોકોને પીરસવાં માટે શિષ્યોને આપી. 17તેઓ બધાએ ધરાઈને ખાધું, અને શિષ્યોએ વધેલાં ટુકડાઓની બાર ટોપલીઓ ઉઠાવી.

પિતરનો એકરાર કે ઈસુ મસીહા છે

18એક વાર, જયારે ઈસુ એકાંતમાં પ્રાર્થના કરતા હતા અને શિષ્યો પણ તેમની સાથે જ હતા, તેમણે તેમને પૂછયું, “હું કોણ છું; એ વિશે ટોળું શું કહે છે?”

19તેઓએ જવાબ આપ્યો, “કેટલાક કહે છે કે યોહાન બાપ્તિસ્ત; કેટલાક કહે છે કે એલિયા; અને વળી બીજા કહે છે કે સજીવન થયેલ કોઈ પ્રાચીન પ્રબોધક છો.”

20તેમણે પૂછયું, “પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો?” પિતરે જવાબ આપ્યો, “ઈશ્વરના મસીહ છો.”

ઈસુ પોતાના મરણની આગાહી કરે છે

21ઈસુએ તેઓને સખત તાકીદ કરી કે આ કોઈને કહેવું નહિ. 22અને તેમણે કહ્યું, “માણસનો દીકરો પુષ્કળ દુઃખ સહન કરશે અને વડીલો, મુખ્ય યાજકો અને નિયમશાસ્ત્રના પંડિતો તેનો નકાર કરશે, પછી તે મારી નંખાશે અને ત્રણ દિવસ પછી સજીવન થશે, એ જરૂરનું છે.”

23પછી તેમણે સઘળાને કહ્યું, “જે કોઈ મારો શિષ્ય થવા ચાહે તેણે પોતાનો નકાર કરવો, અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 24કેમકે જે કોઇ પોતાનો જીવ બચાવવા ચાહે તે તેને ગુમાવશે, પણ જે કોઇ મારે માટે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. 25કોઇ આખું જગત મેળવે અને છતાં પોતાની જાત ગુમાવે તો તેથી તેને શું લાભ? 26જે કોઈ મારે લીધે અને મારાંં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જયારે પોતાના તથા પિતાનાં તથા પવિત્ર દૂતોના મહિમામાં આવશે, ત્યારે તેઓ શરમાશે.

27“હું તમને સાચે જ કહું છું કે, જેઓ અહીં ઊભા રહેલાં છે તેઓમાંથી કેટલાક ઈશ્વરનું રાજ્ય જોશે નહિ ત્યાં સુધી મરણ પામશે નહિ.”

રૂપાંતર

28એ વાતો કહ્યાંના લગભગ આઠ દિવસ પછી, પિતર, યાકોબ તથા યોહાનને લઈને પ્રાર્થના કરવા માટે પર્વત પર ગયા. 29જયારે તેઓ પ્રાર્થના કરતા હતા, ત્યારે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમનાં વસ્ત્રો વીજળીના ચમકારા જેવા ઉજળાં થઈ ગયાં. 30બે માણસો, મોશે અને એલિયા ભવ્ય મહીમામાં ઈસુની સાથે વાત કરતા દેખાયા. 31તેઓએ તેમની વિદાય વિશે વાત કરી, કે જે તે યરુશાલેમમાં પુરું થવાનું હતું. 32પિતર અને તેના સાથીઓ ઊંઘથી ઘેરાયેલા હતા, પણ જયારે તેઓ જાગી ઊઠયાં ત્યારે તેઓએ તેમને મહિમામાં જોયા, અને તેમની સાથે ઊભેલા બે માણસો જોયા. 33જયારે માણસો ઈસુ પાસેથી વિદાય થતા હતા, પિતરે ઈસુને કહ્યું, “ગુરૂજી! આપણે અહીં રહીએ તો એ સારું છે! જો તમે ચાહો તો, હું ત્રણ તંબુ બાંધુ; એક તમારે માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે.” (પોતે શું બોલતો હતો તે તે સમજતો ન હતો.)

34હજી તેઓ બોલતાં હતા એટલામાં, એક વાદળ દેખાયું અને તેઓ પર છાયા કરી, અને તેઓ વાદળામાં પેઠાં ત્યારે તેઓ ગભરાય ગયા. 35વાદળમાંથી એક વાણી સંભળાઈ, “આ મારો પુત્ર છે જેને મેં પસંદ કયોઁ છે; તેમનું સાંભળો.” 36જયારે વાણી સંભળાય હતી, ત્યારેતેઓએ એકલા ઈસુને જોયા. શિષ્યોએ એ મનમાં રાખ્યું અને તે સમયે તેઓએ જે જોયું તેમાંનું તે કોઇને કહ્યું નહિ.

ઈસુ અશુધ્ધ આત્મા વળગેલા છોકરાને સાજો કરે છે

37બીજે દિવસે, જયારે તેઓ પહાડ પરથી નીચે ઊતર્યા, ત્યારે એક મોટું ટોળું તેઓને મળ્યું. 38ટોળામાંથી એક માણસ બોલી ઊઠ્યો, “ગુરુજી! હું તમને વિનંતી કરું છું કે મારા દીકરાને જુઓ, કેમકે તે મારો એકનો એક દીકરો છે. 39આત્મા તેને પકડીને મરડી નાખે છે; અને એકાએક બુમો પાડે છે; તે તેને એવો મરડીને ફેકી દે છે જેથી તેના મોંમાંથી ફીણ કાઢે છે. તે તેને ભાગ્યે જ છોડે છે અને તેનો નાશ કરે છે. 40મેં તમારાં શિષ્યોને એ કાઢવા માટે વિનંતી કરી પણ તેઓ તેને કાઢી શક્યાં નહિ.”

41ઈસુએ જવાબ આપ્યો “ઓ અડીયલ અને અવિશ્વાસી પેઢી! હું કયાં સુધી તમારી સાથે રહીશ, અને તમારું સહન કરીશ? તારા દીકરાને અહીં લાવ!”

42વળી જયારે તે છોકરો આવતો હતો, ત્યાર અશુધ્ધ આત્માએ તેને જમીન પર પછાડીને મરડી નાંખ્યો, પણ ઈસુએ અશુધ્ધ આત્માને ધમકાવ્યો, અને છોકરાને સાજો કર્યો ને તેના પિતાને પાછો સોંપ્યો. 43અને તેઓ સઘળાં ઈશ્વરના મહાપરાક્રમથી અચરત પામ્યા. જયારે તેમણે જે જે કયું હતું તે સવઁ જોઈને અચરત પામ્યા, ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું.

ઈસુ બીજી વાર પોતાના મરણની આગાહી કરે છે

44“હું તમને જે કહેવાનો છું તે ધ્યાનથી સાંભળો: માણસનો દીકરો માણસોનાં હાથમાં સોંપાશે.” 45પણ તેઓ શું કહેવા માગતા હતા તે તેઓ સમજી શક્યા નહિ. તે તેમનાથી ગુપ્ત રખાયું હતું. કે તેઓ તે સમજે નહિ, અને તેમને તે સંબંધી પૂછતાં તેઓ ગભરાતાં હતા.

46શિષ્યોમાં વાદવિવાદ શરૂ થયો કે આપણામાં સૌથી મોટું કોણ થશે. 47ઈસુએ, તેઓના વિચાર જાણીને, તેમણે એક નાનાં બાળકને લઇને પોતાની પાસે ઊભુ રાખ્યું, 48પછી તેમણે તેઓને કહ્યું, “જે કોઇ મારે નામે આ નાનાં બાળકનો આવકાર કરે છે, તે મારો આવકાર કરે છે, અને જે કોઇ મારો આવકાર કરે છે, તે મને મોકલનારનો આવકાર કરે છે. કેમકે તમારાં સવઁમાં, જે સૌથી નાનો છે તે સૌથી મોટો છે.”

49યોહાને કહ્યું, “ગુરુજી, અમે તમારાં નામે કોઈ એક માણસને અશુધ્ધ આત્મા કાઢતો જોયો, અને અમે તેને મના કરી કારણ કે તે આપણામાંનો એક નથી.”

50ઈસુએ જવાબ આપ્યો, “તેને મના ન કરો, કેમકે જે કોઈ તમારી વિરુધ્ધ નથી તે તમારાં પક્ષનો છે.”

સમરૂનીઓનો વિરોધ

51જેમ સ્વર્ગમાં ઉપર લઇ જવાનો સમય નજીક આવતો ગયો, તેમ તેઓ દ્રઢતાથી યરુશાલેમ તરફ આગળ વધવાં લાગ્યા. 52અને તેમણે તેમની આગળ સંદેશાવાહક મોકલ્યા, જેઓ તેમના માટે વ્યવસ્થા કરવા સમરૂનીઓના ગામમાં ગયા. 53તેઓ યરુશાલેમ તરફ જઈ રહ્યા હોવાથી ત્યાંના લોકોએ તેમનો આવકાર કયોઁ નહિ. 54જયારે શિષ્યો, યાકોબ અને યોહાને આ જોયું તેઓએ પૂછયું, “પ્રભુ, શું તમે ઇચ્છો છો કે અમે તેઓનો નાશ કરવા આકાશમાંથી અગ્નિ બોલાવીએ?” 55પણ ઈસુએ ફરીને તેઓને ઠપકો આપ્યો. 56પછી તેઓ અને તેમના શિષ્યો બીજે ગામ ગયા.

ઈસુ પાછળ ચાલવાની કિંમત

57તેઓ રસ્તે ચાલતાં હતા, ત્યારે એક માણસે તેમને કહ્યું, “તમે જયાં જશો ત્યાં, હું તમારી પાછળ આવીશ.”

58ઈસુએ જવાબ આપ્યો, “શિયાળવાને બખોલ હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને પોતાનું માથું મૂકવાને જગ્યા નથી.”

59તેમણે બીજા માણસને કહ્યું મારી “પાછળ આવ,” પણ તેણે જવાબ આપ્યો, “પ્રભુ પહેલાં મને જઈને મારા પિતાને દફનાવવા દો.”

60ઈસુએ તેને કહ્યું, “મૂએલાઓને તેઓના મૂએલાને દાટવા દો, પણ તું જઈને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કર.”

61વળી બીજા એકે કહ્યું, “પ્રભુ હું તમારી પાછળ આવીશ પણ તે પહેલાં મારાંં ઘરનાંને છેલ્લી સલામ કરવા મને જવા દો.”

62ઈસુએ જવાબ આપ્યો, “હળ પર હાથ મૂકીને પાછળ જોનાર કોઇ પણ ઈશ્વરના રાજ્યમાં સેવા કરવા લાયક નથી.”

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]