Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 9 OGCB

Side by side with the Father's Heart Bible™

શાઉલનું બદલાણ

1શાઉલ હજુ પણ પ્રભુના શિષ્યોને મારી નાંખવાની ધમકી આપતો હતો. તે પ્રમુખયાજક પાસે ગયો. 2અને દમાસ્કસમાંના સભાસ્થાનો પર પત્રોની માગણી કરી જો તેને એ માગઁનો કોઈ પણ માણસ મળે ભલે તે પુરુષ કે સ્ત્રી હોય, તેમને બંદિવાન બનાવીને યરુશાલેમ લઈ આવે. 3જયારે તે પોતાની મુસાફરી દરમિયાન દમાસ્કસની નજીક આવ્યો ત્યારે અચાનક તેની આસપાસ આકાશમાંથી એક પ્રકાશ ચમકયો, 4તે જમીન પર પડી ગયો, અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી: “શાઉલ! શાઉલ! તું મને કેમ સતાવે છે?”

5શાઉલે પૂછયું, “પ્રભુ! તમે કોણ છો?” તેમણે જવાબ આપ્યો, “હું ઈસુ છું, જેને તું સતાવી રહ્યો છે

6હવે, તું ઊઠીને શહેરમાં જા અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે.”

7શાઉલની સાથે ચાલનારાં માણસો અવાક બની ગયા. કારણ કે તેમને અવાજ સંભળાયો, પણ કોઈને જોયા નહિ. 8પછી શાઉલ જમીન પરથી ઊભો થયો. તેણે આંખો ખોલી, પણ તે કશું જોઈ શકયો નહિ. એટલે તેનો હાથ પકડીને તેઓ તેને દમાસ્કસમાં દોરી ગયા. 9ત્રણ દિવસ સુધી તે અંધ અવસ્થામાં રહ્યો. અને તેણે કશું જ ખાધું પીધું નહિ.

10હવે દમાસ્કસમાં અનાન્યા નામે એક શિષ્ય હતો. પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “અનાન્યા!” તેણે જવાબ આપ્યો, “હા પ્રભુ!”

11પ્રભુએ તેને કહ્યું, “ઊઠીને પાધરા નામનાં રસ્તામાં જઈને યહૂદા નામનાં માણસના ઘરે જા અને તાર્સસનાં શાઉલ વિષે પૂછ, જો તે પ્રાર્થના કરે છે. 12તેણે દર્શનમાં જોયું છે કે, અનાન્યા નામે એક માણસ આવીને તેના પર હાથ મૂકીને પ્રાર્થના કરે, જેથી તે દેખતો થાય.”

13અનાન્યાએ ઉત્તર આપ્યો, “પ્રભુ! મેં આ માણસ વિશે ઘણી વાતો સાંભળી છે અને યરુશાલેમમાંના તમારા પવિત્ર લોકો પર તેણે જે દુષ્ટતા કરી છે તેના વિશે પણ સાંભળ્યું છે. 14મુખ્ય યાજકો પાસેથી અધિકાર લઇને તે અહીં આવ્યો છે કે જેઓ તમારા નામ પર વિશ્વાસ કરે છે તેઓને પકડે.”

15પરંતુ પ્રભુએ અનાન્યાને કહ્યું, “જા! આ માણસને મેં પસંદ કયોઁ છે, જેથી તે બિનયહૂદીઓ તેમના રાજાઓ તથા ઇઝરાયેલી લોકોને મારું નામ પ્રગટ કરી શકે. 16અને મારા નામને લીધે તેને કેટલું બધું સહન કરવું પડશે તે હું તેને બતાવીશ.”

17ત્યારે અનાન્યા ગયો અને ઘરમાં અંદર ગયો, અને શાઉલ પર હાથ મૂકીને કહ્યું, “ભાઈ શાઉલ, માર્ગે આવતાં તને જેમણે દર્શન દીધું તે પ્રભુ ઈસુએ મને અહીં મોકલ્યો છે, એ માટે કે તું ફરીથી તું દેખતો થાય અને પવિત્ર આત્માથી ભરપૂર થાય.” 18એ જ વખતે તેની આંખો પરથી છાલા જેવું કાંઈક ખરી પડ્યું અને તે ફરીથી દેખતો થયો, પછી તે ઉભો થયો ને બાપ્તિસ્મા પામ્યો. 19અને થોડું ખાધા પછી તે ફરીથી તેનામાં શકિત આવી. શાઉલ કેટલાક દિવસો સુધી શિષ્યો સાથે તે દમાસ્કસમાં રહ્યો.

શાઉલ દમાસ્કસમાં અને યરૂશાલેમમાં

20તેણે તરત જ સભાસ્થાનમાં ઉપદેશ આપવાનું શરૂ કયુઁ, “ઈસુ એ જ ઈશ્વરપુત્ર છે.” 21તેને સાંભળનારા સર્વ આશ્ચર્ય પામ્યા અને કહ્યું, “શું આ એ જ માણસ નથી? જેને યરુશાલેમમાં આ નામ લેનારાઓનો નાશ કર્યો હતો? અને શું તે અહીં તેઓને પકડીને મુખ્ય યાજકો પાસે લઈ જવા આવ્યો નથી?” 22છતાં શાઉલ વધુને વધુ પ્રબળ બનતો ગયો. તેણે ઈસુ એ જ મસીહ છે તે સાબિત કરીને દમાસ્કસમાંના યહૂદીઓને ગૂંચવી નાખ્યા.

23ઘણા દિવસો બાદ યહૂદીઓએ તેને મારી નાખવાનું કાવતરું ઘડયું. 24પણ શાઉલને તેમની આ યોજનાની ખબર પડી ગઇ તેને મારી નાખવા સારું તેઓ રાતદિવસ શહેરનાં દરવાજાઓને ચોકી કરતા હતા. 25પણ તેના શિષ્યોએ તેને રાત્રે ટોપલામાં બેસાડીને કોટ પરના બાકોરામાંથી નીચે ઉતારી દીધો.

26જયારે તે યરુશાલેમમાં આવ્યો ત્યારે તેણે શિષ્યોની સાથે ભળી જવા પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ તેનાથી ડરતા હતા; કારણ કે તે ખરેખર શિષ્ય છે એવું તેઓ માનતા ન હતા. 27પછી બાર્નાબાસ તેને પ્રેષિતોની પાસે લઈ ગયો અને તેઓને કહ્યું કે શાઉલે પોતાની મુસાફરી દરમિયાન પ્રભુને જોયા હતા અને પ્રભુએ તેની સાથે વાત કરી હતી અને ઈસુના નામે દમાસ્કસમાં તેણે હિમતથી ઉપદેશ આપ્યો હતો. 28તેથી શાઉલ તેમની સાથે યરુશાલેમમાં રહ્યો અને પ્રભુના નામે હિમતથી પ્રચાર કરતો હતો. 29તે બોલતો અને ગ્રીક યહૂદીઓ સાથે વાદવિવાદ કરતો પણ તેઓએ તેને મારી નાખવા પ્રયત્ન કયોઁ. 30જયારે વિશ્વાસીઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓ તેને કાઈસારિયા લઈ ગયા અને ત્યાંથી તેને તાર્સસ મોકલી દીધો.

31પછી યહૂદિયા, ગાલીલ અને સમરૂનમાંની મંડળીઓમાં શાંતિ ફેલાઈ અને તે મજબૂત બની. પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માથી ઉતેજન પામતા અને તેમની સંખ્યામાં વધારો થયો.

એનિયસ અને દોરકાસ

32પિતર આખા દેશમાં ફરતો હતો, ત્યારે તે લુદામાં વસતાં પ્રભુના લોકોને મળવા ગયો. 33ત્યાં તેને એનિયાસ નામે એક માણસ મળ્યો, જે લકવાં ગ્રસ્ત હતો અને તે આઠ વર્ષથી પથારીવશ હતો. 34પિતરે તેને કહ્યું, “એનિયાસ, ઈસુ મસીહ તને સાજો કરે છે. ઊઠ અને તારું બિછાનું વ્યવસ્થિત કર.” 35ત્યારે લુદા અને શારોનના બધા રહેવાસીઓ એ જોઈને પ્રભુ તરફ વળ્યા.

36હવે જોપ્પામાં એક શિષ્યા રહેતી હતી. તેનું નામ તાબીથા એટલે દોરકસ હતું. તે હંમેશાં ભલાઈનાં કામો કરતી અને ગરીબોને મદદ કરતી હતી. 37આ સમયે તે બિમાર પડી અને મૃત્યુ પામી. લોકોએ તેને નવડાવીને ઉપરની મેડી પર સુવાડી. 38લુદા જોપ્પાની નજીક હતુ તેથી જયારે શિષ્યોએ સાંભળ્યું કે પિતર લુદામાં છે, ત્યારે તેઓએ બે માણસો તેની પાસે મોકલ્યા, “અને વિનંતી કરી કે મહેરબાની કરીને અહીં આવો.”

39પિતર તેઓની સાથે ગયો, અને જયારે તે પહોંચ્યો ત્યારે તેઓ તેને ઉપરની મેડી પર લઈ ગયા. બધી વિધવાઓ રુદન કરતી તેની આસપાસ ઊભી હતી. દોરકસ તેઓની સાથે હતી ત્યારે તેણે જે ઝભ્ભા તથા બીજા વસ્ત્રો બનાવ્યાં હતાં તે તેને બતાવવા લાગી.

40પિતરે સર્વને તે ઓરડામાંથી બહાર કાઢયાં અને ઘુંટણે પડીને પ્રાર્થના કરી. પછી મૃતદેહ તરફ ફરીને તેણે કહ્યું, “તાબીથા! ઊઠ!” ત્યારે તેણે આંખો ખોલી અને પિતરને જોઈને તે બેઠી થઈ. 41પિતરે તેને હાથ આપીને ઉઠાડી, પછી તેણે વિશ્વાસીઓને, ખાસ કરીને વિધવાઓને બોલાવીને તેમને જીવતી દેખાડી. 42આખા જોપ્પામાં આ વાતની ખબર પડી, અને ઘણાં લોકોએ પ્રભુ પર વિશ્વાસ કર્યા. 43પછી જોપ્પામાં સિમોન નામે એક ચમારને ઘરે પિતર ઘણાં દિવસો સુધી રહ્યો.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]