Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Corinthians 6 OGCB

Side by side with the Father's Heart Bible™

વિશ્વાસીઓમાં મુકદમો

1તમારાંમાંના કોઈને બીજા સાથે તકરાર થઇ હોય, તો શું તમે તેને પ્રભુના લોકોની પાસે જવાને બદલે અધમીઁઓની પાસે ન્યાય માટે લઇ જવાની હિંમત કરો છો? 2પ્રભુના લોકો જગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? અને જો તમારે જગતનો ન્યાય કરવાનો હોય, તો શું તમે નજીવી બાબતોનો ન્યાય કરવા યોગ્ય નથી? 3આપણે દૂતોનો પણ ન્યાય કરવાનાં છીએ એ શું તમે જાણતા નથી? તો પછી આ જીવનની બાબતો તો કેટલી વિશેષ છે! 4માટે જો તમને આવી બાબતો વિષે તકરાર થાય, તો શું તમે એવા લોકો પાસે નિણઁય માંગો છો જેમનાં જીવનનો મંડળીમાં તિરસ્કાર કરવામાં આવે છે? 5હું તમને શરમિંદા બનાવવાં માગું છું. ભાઈ ભાઈની વચ્ચે ન્યાય કરી શકે એવો એક પણ બુધ્ધિમાન માણસ શું તમારી મંડળીમાં નથી! 6પણ એવું કરવાને બદલે વિશ્વાસીઓ એકબીજાને કોર્ટમાં ઘસડી જાય છે અને તે પણ અવિશ્વાસીઓની આગળ!

7તમારામાં મુકદમા છે એનો અથઁ કે તમે પહેલેથીજ પૂરેપૂરા હારી ગયા છો. અન્યાય સહન કરતા નથી? કેમ છેતરપિંડી કરતા નથી? 8તેના બદલે, તમે પોતે છેતરપિંડી કરીને અન્યાય કરો છો. અને તે વળી તમારા ભાઈઓ અને બહેનો સાથે કરો છો 9શું તમે નથી જાણતા કે દુષ્ટ લોકોને ઈશ્વરના રાજ્યમાં વારસો મળશે નહિ? છેતરાતા નહિ: લંપટો, મૂર્તિપૂજકો, વ્યભિચારીઓ, સજાતીય સંબંધ ધરાવનારાઓ, 10ચોરી, લોભ કરનારાં, દારૂડિયા, નિંદાખોરો અને લુંટ કરનારાઓનો ભાગ ઈશ્વરના રાજ્યમાં નથી. 11તમારાંમાંના કેટલાક એવા જ હતા. પણ તમે પ્રભુ ઈસુ મસીહ અને આપણા ઈશ્વરના આત્મા દ્વારા શુધ્ધ થયા, તમને પવિત્ર કરી ન્યાયી ઠરાવ્યા.

જાતીય અનૈતિકતા

12“તમે કહો છો, મને કંઇ પણ કરવાનો અધિકાર છે,” પણ બધું જ લાભકારી નથી. “મને કંઈ પણ કરવાનો અધિકાર છે,” પણ હું કોઇને આધીન થવાનો નથી. 13તમે કહો છો કે, “ખોરાક પેટ માટે છે અને પેટ ખોરાક માટે છે, અને ઈશ્વર તે બંન્નેનો નાશ કરશે.” હવે શરીર વ્યભિચાર માટે નથી પણ પ્રભુને માટે છે, અને પ્રભુ શરીરને માટે. 14ઈશ્વરે પોતાના સામર્થ્યથી પ્રભુને મૃત્યુમાંથી સજીવન કર્યા, અને તે આપણને પણ સજીવન કરશે. 15તમારાંં શરીરો મસીહના અવયવો છે એ શું તમે જાણતા નથી? તો શું હું મસીહનાં અંગોને વેશ્યાનાં અંગો બનાવું? ના કદી નહિ! 16જો કોઈ માણસ વેશ્યાની સાથે જોડાય છે તો તે એક દેહ બને છે, એ શું તમે નથી જાણતા? કેમકે કહે છે તેમ, “તેઓ બન્ને એક દેહ બની જશે.” 17પણ જે કોઇ પ્રભુ સાથે જોડાય છે તે આત્મામાં તેમની સાથે એક થાય છે.

18વ્યભિચારથી નાશો. માણસ જે બીજા બધા પાપ કરે છે તે શરીરની બહાર છે પણ જે કોઇ વ્યભિચારનું પાપ કરે છે તે પોતાના શરીરની વિરુધ્ધનું પાપ કરે છે. 19શું તમે નથી જાણતા કે તમારું શરીર પવિત્ર આત્માનું મંદિર છે, જે તમારામાં રહે છે અને જે તમને ઈશ્વર તરફથી મળ્યું છે? તમે તમારા પોતાના નથી; 20તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા. તેથી તમારા શરીર વડે ઈશ્વરને માન આપો.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]