Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Gujarati-2019

1 Samuel 29 IRVGuj

Side by side with the Father's Heart Bible™

પલિસ્તીઓએ દાઉદનો નકાર કર્યો

1હવે પલિસ્તીઓએ પોતાનાં સર્વ સૈન્યોને અફેક આગળ એકત્ર કર્યાં; ઇઝરાયલીઓએ યિઝ્રએલમાં જે ઝરો છે તેની પાસે છાવણી કરી. 2પલિસ્તીઓના સરદારો સોસોની તથા હજારહજારની ટોળીબંધ ચાલી નીકળ્યા; દાઉદ તથા તેના માણસો આખીશ સાથે સૈન્યની પાછળ ચાલ્યા.

3ત્યારે પલિસ્તીઓના સરદારોએ કહ્યું, “આ હિબ્રૂઓનું અહીંયાં શું કામ છે?” આખીશે પલિસ્તીઓના સરદારોને કહ્યું, “શું એ ઇઝરાયલનો રાજા શાઉલનો ચાકર દાઉદ નથી? જે આ દિવસોમાં બલકે કેટલાક વર્ષોથી મારી સાથે રહે છે, તોપણ તે આવ્યો તે દિવસથી આજ સુધી મને એનામાં કોઈ દોષ જોવા મળ્યો નથી.

4પણ પલિસ્તીઓના સરદારો તેના પર ગુસ્સે થયા; તેઓએ તેને કહ્યું, “આ માણસને પાછો મોકલ, જે જગ્યા તેં તેને ઠરાવી આપી છે ત્યાં તે પાછો જાય; તેને આપણી સાથે લડાઈમાં આવવા ન દેતો, રખેને યુદ્ધમાં તે આપણો શત્રુ થાય. કેમ કે તે પોતાના માલિક સાથે સલાહ શાંતિ કરી દે તો? શું તે આપણા માણસોના માથાં નહિ આપે?

5શું એ દાઉદ નથી કે જેનાં વિષે તેઓએ નાચતાં નાચતાં સામસામે ગાયું ન હતું કે,‘શાઉલે તો સહસ્રોને પણદાઉદે તો દસ સહસ્રોને માર્યા છે?”

6ત્યારે આખીશે દાઉદને બોલાવીને તેને કહ્યું, “જીવતા ઈશ્વરના સમ, તું પ્રામાણિકપણાથી વર્ત્યો છે અને સૈન્યમાં મારી સાથે આવે તે મારી દૃષ્ટિમાં સારું છે; કેમ કે તું મારી પાસે આવ્યો તે દિવસથી તે આજ સુધી તારામાં મને કંઈ અપરાધ માલૂમ પડ્યો નથી. તેમ છતાં, સરદારો તારાથી રાજી નથી. 7માટે હવે તું પાછો વળ. અને પલિસ્તીઓના સરદારો તારાથી નારાજ ન થાય તે માટે તું શાંતિથી પાછો જા.”

8દાઉદે આખીશને કહ્યું, “પણ મેં શું કર્યું છે? જ્યાં સુધી હું તારી સેવામાં હતો ત્યાં સુધી, એટલે આજ સુધી તેં પોતાના દાસમાં એવું શું જોયું, કે મારા માલિક રાજાના શત્રુઓની સાથે લડવા માટે મારી પસંદગી ના થાય?” 9આખીશે ઉત્તર આપીને દાઉદને કહ્યું, “હું જાણું છું કે મારી દ્રષ્ટિમાં તું સારો, ઈશ્વર જેવો છે; પરંતુ પલિસ્તીઓના સરદારોએ કહ્યું છે કે, ‘તે અમારી સાથે યુદ્ધમાં ન આવે.’”

10માટે હવે તારા માલિકના જે ચાકરો તારી સાથે આવેલા છે તેઓની સાથે તું વહેલી સવારે ઊઠજે; ઊઠ્યા પછી સૂર્યોદય સમયે તમે વિદાય થજો.” 11તેથી દાઉદ તથા તેના માણસો પલિસ્તીઓના દેશમાં પાછા જવા માટે વહેલી સવારે ઊઠ્યા. પલિસ્તીઓએ યિઝ્રએલ તરફ કૂચ કરી.

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Gujarati-2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]