Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Revelation 1 guj

Side by side with the Father's Heart Bible™

ઈશ્વરજ્ઞાની યોહાનને થયેલું પ્રકટીકરણ

1ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, એટલે "જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે" તે પોતાના દાસોને કહી બતાવવા સારુ ઈશ્વરે તેમના પુત્ર ઈસુને તે આપ્યું; અને તેમણે પોતાનો સ્વર્ગદૂત મોકલીને તે ધ્વારા પોતાના દાસ યોહાનને બતાવ્યું. 2યોહાને ઈશ્વરનાં વચન તથા ઈસુ ખ્રિસ્તની સાક્ષી વિષે જેટલું પોતે જોયું તેની સાબિતી આપી. 3"ભવિષ્યમાં બનવાની બિનાઓ" જે વાંચે છે, જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓ આશીર્વાદિત છે, કેમ કે સમય પાસે છે.

સાત મંડળીઓને સલામી

4જે સાત મંડળી (વિશ્વાસી સમુદાય) આસિયામાં છે તેઓને યોહાન લખે છે. જે છે અને જે હતા અને જે આવનાર છે તેમનાંથી, તથા તેમના રાજ્યાસન આગળ જે સાત આત્મા છે તેઓના તરફથી, 5તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાક્ષી, અને મરણ પામેલાંમાંથી પ્રથમ ઊઠેલ અને દુનિયાના રાજાઓના અધિકારી છે તેમનાંથી, તમારા પર કૃપા તથા શાંતિ હો. જેમણે આપણા પર પ્રેમ કર્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી બચાવ્યા; 6અને ઈશ્વર પિતાને માટે આપણને રાજ્ય તથા યાજકો બનાવ્યા, તેમનો મહિમા તથા અધિકાર સદાસર્વકાળ સુધી હો; આમીન.

7જુઓ, તે વાદળાં સાથે આવે છે અને દરેક આંખ, અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે; અને પૃથ્વી પરનાં સઘળાં કુળો તેમને લીધે વિલાપ કરશે; હા, આમીન.

8પ્રભુ ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે, જે સર્વસમર્થ છે, તે એમ કહે છે કે, 'હું આલ્ફા તથા ઓમેગા છું.'

યોહાનને ખ્રિસ્તનું સંદર્શન

9હું યોહાન તમારો ભાઈ, અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધીરજમાં સહભાગી, ઈશ્વરનાં વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે, પાત્મસ ટાપુ પર હતો. 10પ્રભુના દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી એમ કહેતી સાંભળી કે, 11'તું જે જુએ છે તે પુસ્તકમાં લખ, અને એફેસસમાં, સ્મર્નામાં, પેર્ગામનમાં, થુઆતૈરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઓદિકિયામાં જે સાત મંડળી છે તેઓના પર મોકલ.'

12જે વાણીએ મારી સાથે વાત કરી, તેને જોવા હું ફર્યો; ત્યારે મેં સોનાની સાત દીવીને જોઈ. 13તે દીવીઓની વચમાં મનુષ્યપુત્ર જેવા એકને મેં જોયા, તેમણે પગની પાની સુધી પહોંચે એવો ઝભ્ભો પહેરેલો હતો અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો;

14તેમનું માથું તથા વાળ સફેદ ઊનના જેવા, બરફની માફક શ્વેત હતાં; અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી; 15તેમના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા; અને તેમનો અવાજ ઘણાં પાણીનાં મોજાંના જેવો ગર્જતો હતો; 16તેમના જમણાં હાથમાં સાત તારા હતા; તેમના મુખમાંથી બેધારી તીક્ષ્ણ તરવાર નીકળતી હતી; અને તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય સમાન હતો;

17જયારે મેં તેમને જોયા ત્યારે મૂએલા જેવો થઈને હું તેમના પગ પાસે પડી ગયો; ત્યારે તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે, 'બીશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું; 18અને જે જીવંત છે તે હું છું, હું મૃત્યુ પામ્યો હતો અને જુઓ, હવે હું સદાકાળ જીવતો છું; મરણ તથા હાદેસની ચાવીઓ મારી પાસે છે.

19તેં જે જોયું છે અને જે જે છે, અને હવે પછી જે જે થશે, તે સઘળું લખ 20મારા જમણાં હાથમાં જે સાત તારા તથા સોનાની સાત દીવી તેં જોયાં, એમનો ખુલાસો તું લખ. સાત તારા તો સાત મંડળીના સ્વર્ગદૂત છે, અને સાત દીવી તો સાત મંડળી છે.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]