Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Deuteronomy 16 guj

Side by side with the Father's Heart Bible™

1આબીબ માસ ધ્યાન રાખીને યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે પાસ્ખાપર્વ પાળો; કેમ કે આબીબ માસમાં યહોવાહ તમારા ઈશ્વર તમને રાત્રે મિસરમાંથી બહાર લઈ આવ્યા. 2અને પોતાનું નામ રાખવા માટે યહોવાહ જે સ્થળ પસંદ કરે ત્યાં ઘેટાંબકરાંનો કે અન્ય જાનવરોનો પાસ્ખાયજ્ઞ તું યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે કર.

3તમારે તેની સાથે ખમીરી રોટલી ન ખાવી. સાત દિવસ સુધી તમારે તેની સાથે ખમીર વગરની એટલે દુઃખની રોટલી ખાવી કારણ કે, તમે મિસર દેશમાંથી ઉતાવળે નીકળ્યા હતા. અને આ રીતે તમે મિસરમાંથી જે રીતે બહાર આવ્યા તે દિવસ આખા જીવનભર યાદ રહે. 4સાત દિવસ સુધી તમારી સર્વ સરહદોમાં તમારી મધ્યે ખમીર જોવામાં આવે નહિ. તેમ જ પહેલે દિવસે સાંજે વધેલા બલિદાનનું થોડું પણ માંસ સવાર સુધી રહેવા દેવું નહિ.

5જે નગરની ભાગળ યહોવાહ તારા ઈશ્વર તમને આપે તેમાંની કોઈ પણ ભાગળમાં તારે પાસ્ખાયજ્ઞ કરવું નહિ. 6પરંતુ, યહોવાહ તારા ઈશ્વર પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાં સાંજે સૂર્યાસ્ત સમયે એટલે જે વર્ષે તમે મિસરમાંથી બહાર આવ્યા તે સમયે, પાસ્ખાયજ્ઞ કરો.

7યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલી જગાએ તમારે તે શેકીને ખાવું; સવારમાં પાછા પોતાના તંબુઓમાં જવું. 8છ દિવસ સુધી તમારે બેખમીરી રોટલી ખાવી, સાતમા દિવસે યહોવાહ તમારા ઈશ્વર માટે પવિત્ર સભા કરવી, તે દિવસે તમારે કોઈ કામ કરવું નહિ.

9તમે તમારે પોતાને માટે સાત અઠવાડિયાં ગણો; ઊભા પાકને દાતરડું લગાવાનું શરૂઆત કરો તે સમયથી સાત અઠવાડિયા ગણવાં. 10તમે યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે અઠવાડિયાનાં પર્વ ઉજવો, યહોવાહ તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારા હાથનાં ઐચ્છિકાપર્ણ આપો.

11યહોવાહ તમારા ઈશ્વરે પોતાના પવિત્રસ્થાન માટે પસંદ કરેલી જગ્યાએ તમે, તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસીઓ, નગરની ભાગળમાં રહેતા લેવીઓ, તમારી મધ્યે રહેતા વિદેશીઓ, અનાથો તથા તમારી મધ્યે રહેતી વિધવાઓએ બધાએ મળીને યહોવાહ તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો. 12તમે મિસરમાં ગુલામ હતા તે યાદ રાખીને તમે આ કાનૂનો પાળો અને તેને અમલમાં મૂકો.

13તમારા ખળામાંથી તથા તમારા દ્રાક્ષાકુંડમાંથી ઊપજ ભેગી કરી લો પછી તમે સાત દિવસ સુધી માંડવાપર્વ ઉજવો. 14તમારાં પર્વ દરમિયાન તમે, તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસી, લેવી, નગરની ભાગળમાં રહેતા પરદેશીઓ, અનાથો તથા વિધવાઓ આનંદ કરો.

15તમે યહોવાહ તમારા ઈશ્વરના માટે યહોવાહે પસંદ કરેલા સ્થાને સાત દિવસ સુધી પર્વ ઉજવો, કેમ કે યહોવાહે તમારી બધી ઉપજમાં, તમારા હાથનાં સર્વ કામોમાં તમને આશીર્વાદ આપશે, તમે પુષ્કળ આનંદ પામશો.

16તમારા બધા પુરુષો એ જે જગ્યા યહોવાહ પસંદ કરે ત્યાં વર્ષમાં ત્રણ વાર યહોવાહ તમારા ઈશ્વરની આગળ ઉપસ્થિત થવું. બેખમીરી રોટલીના પર્વના પ્રસંગે અઠવાડિયાનાં પર્વના પ્રસંગે અને માંડવાપર્વના પ્રસંગે યહોવાહ આગળ ખાલી હાથે આવવું નહિ. 17પરંતુ, દરેક માણસે પોતાની યથાશક્તિ પ્રમાણે યહોવાહની આજ્ઞા પાળીને યહોવાહ તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારે આપવું.

18જે નગરની ભાગળ યહોવાહ તારા ઈશ્વર તમને આપે તેમાં તમે તમારા માટે તમારા કુળોમાંથી ન્યાયાધીશો તથા બીજા અધિકારીઓની નિમણૂક કરો, તેઓ લોકોનો ઉચિત ન્યાય કરશે. 19તમે ન્યાય માટે બળજબરી ન કરો, પક્ષપાત ન કર, લાંચ ન લો, કેમ કે લાંચ જ્ઞાની આંખોને અંધ બનાવી દે છે અને ન્યાયી માણસોના વચનો ખોટા કરી નાખે છે. 20તમે ન્યાયનું અનુસરણ કરો, કે જેથી તમે જીવતા રહો અને જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તેનો વારસો પ્રાપ્ત કરો. 21તમે યહોવાહ તમારા ઈશ્વરની માટે જે વેદી બનાવો તેની બાજુએ કોઈ પણ જાતની અશેરા મૂર્તિ ન ગોઠવો. 22તમારે તમારા માટે કોઈ સ્તંભ ઊભો કરવો નહિ. કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તેને ધિક્કારે છે.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]