Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Revelation 22 OGCB

Side by side with the Father's Heart Bible™

એદનની પુનઃસ્થાપના

1પછી દૂતે મને જીવનના પાણીની નદી બતાવી, જે સ્ફટિક જેવી સ્વચ્છ હતી, ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી વહેતી હતી. 2તે નદી નગરનાં રસ્તાની મધ્યમાં હતી. નદીની બન્ને બાજુએ જીવનનું વૃક્ષ હતું. તેની પર બાર પ્રકારના ફળ લાગતાં હતાં, દર મહિને તેને નવાં ફળ આવતાં હતાં, અને વૃક્ષનાં પાંદડાં સવઁ પ્રજાઓને નિરોગી કરે છે. 3હવે પછી કંઈ પણ પ્રકારનો શાપ થનાર નથી. શહેરમાં ઈશ્વરનું તથા હલવાનનું રાજ્યાસન થશે, અને તેમના સેવકો તેમની સેવા કરશે. 4તેઓ તેમનું મુખ જોશે, અને તેઓનાં કપાળ પર તેમનું નામ હશે. 5ત્યાં કદી રાત પડશે નહિ. ત્યાં દીવાના અજવાળાની કે સૂર્યના પ્રકાશની જરૂર નથી કેમકે પ્રભુ ઈશ્વર તેઓ પર પ્રકાશ પાડશે. અને તેઓ સદાસર્વકાળ રાજ કરશે.

યોહાન અને દૂતો

6દૂતે મને કહ્યું, “એ વચનો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. પ્રબોધકોને પ્રેરણા આપનાર પ્રભુ ઈશ્વરે પોતાનો દૂત મોકલ્યો છે, થડીવારમાં જે થવાનું છે તે પોતાના સેવકોને બતાવે.”

7“જુઓ, હું થોડીવારમાં આવું છું! જેઓ આ પુસ્તકમાં લખેલાં ભવિષ્યવચનોનું પાલન કરે છે, તેઓને ધન્ય છે.”

8હું, યોહાન, આ સઘળું જોનાર અને સાંભળનાર છું. અને જયારે મેં સાંભળ્યું અને જોયું ત્યારે જે દૂતે મને વાતો બતાવી તેની આરાધના કરવા હું તેને પગે પડ્યો. 9પણ તેણે મને કહ્યું, “એમ ના કરીશ! હું પણ તારી જેમ તથા તારા ભાઈઓ એટલે પ્રબોધકોની જેમ અને આ પુસ્તકમાં લખેલાં વચનો પાળનાર લોકોની જેમ સાથી સેવક જ છું. ઈશ્વરની આરાધના કર.”

10પછી તેણે મને કહ્યું, “આ પુસ્તકના ભવિષ્યવચનો ને મુદ્રાથી બંધ ન કર, કેમકે સમય પાસે છે. 11જે ખોટું કરે છે, તે હજુ વધારે ખોટું કયાઁ કરે; મલિન વ્યક્તિ વધારે મલિન થતો જાય; જે સાચો છે તે વધારે સાચો થતો જાય; અને પવિત્ર વ્યક્તિ વધારે પવિત્ર થતો જાય.”

ઉપસંહાર: આમંત્રણ અને ચેતવણી

12“જુઓ! હું જલ્દી આવું છું! અને દરેક વ્યકતિને તેમની કરણીઓ પ્રમાણે બદલો ભરી આપવાનો મારી પાસે છે. 13હું આલ્ફા તથા ઓમેગા છું, આરંભ તથા અંત છું અને પ્રથમ તથા છેલ્લો છું.

14“જેઓ પોતાનાં વસ્ત્ર ધુએ છે તેઓને ધન્ય છે, તેઓને જીવનનાં વૃક્ષ પર અધિકાર છે અને તેઓ નગરનાં દરવાજામાંથી પ્રવેશે છે. 15કૂતરાઓ, જાદુગરો, મેલી વિદ્યાનાં ઉપાસકો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિપૂજકો તથા અસત્ય ચાહનારા અને આચરનારા એ સર્વ બહાર છે.

16“મેં ઈસુએ, મારા દૂતને મોકલ્યો છે કે તે મંડળીઓને માટે આ સાક્ષી તમને આપે. હું દાવિદનું મૂળ તથા તેનો વંશજ છું, અને પ્રભાતનો પ્રકાશિત તારો છું.”

17આત્મા તથા કન્યા કહે છે, “આવ.” જે કોઈ તે સાંભળે છે તે કહે છે કે, “આવ.” જે તરસ્યો હોય તે આવે; અને જે ચાહે તે જીવનના પાણીનું દાન મફત લે.

18આ પુસ્તકનાં ભવિષ્યવચનો જે કોઈ સાંભળે છે: જે કોઈ તેમાં વધારો કરશે તો ઈશ્વર તેના પર આ પુસ્તકમાં લખેલાં અનઁથો વધારશે. 19અને જો કોઈ આ ભવિષ્યવચનનાં પુસ્તકમાંથી કાંઈ પણ કાઢી નાંખશે, તો ઈશ્વર તેનો ભાગ જીવનનાં વૃક્ષમાંથી અને પવિત્ર નગરમાંથી, એટલે આ પુસ્તકમાં જે જે લખેલું છે તેમાંથી કાઢી નાખશે.

20જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે કે, “હા, હું થોડીવારમાં આવું છું.” આમીન. “આવો, પ્રભુ ઈસુ!”

21પ્રભુ ઈસુની કૃપા ઇશ્વરના લોકોની સાથે હો. આમીન.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]