Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

John 20 OGCB

Side by side with the Father's Heart Bible™

ખાલી કબર

1અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે, જયારે હજી અંધારું હતું, ત્યારે મરિયમ માગદાલેણ કબરે ગઈ અને જોયું તો દ્વાર આગળથી પથ્થર હઠાવી દીધેલો હતો. 2ત્યારે તે દોડીને, સિમોન પિતર અને બીજો શિષ્ય, જેના પર ઈસુ પ્રેમ રાખતા હતાં, તેમની પાસે ગઇ અને કહ્યું, “તેઓ પ્રભુને કબરમાંથી લઈ ગયા છે, અને તેમને કયાં મૂક્યા છે તે આપણે જાણતા નથી.”

3તેથી પિતર અને બીજો શિષ્ય કબર તરફ જવા નીકળ્યાં. 4બંને દોડતાં હતાં, પણ બીજો શિષ્ય પિતરની આગળ નીકળી ગયો અને કબરે પહેલો પહોંચી ગયો. 5નીચાં નમીને તેણે અંદર પડેલા શણના કપડાં જોયા પણ તે અંદર ગયો નહિ. 6એટલામાં સિમોન પિતર પણ તેની પાછળ આવ્યો અને સીધો કબરમાં પેઠો. તેણે શણનું વસ્ત્ર ત્યાં પડેલું જોયું. 7અને ઈસુના માથા પર વીંટાળેલું વસ્ત્ર જે શણના કપડાંથી અલગ જે કપડું હજું પણ તેની જગ્યાએ પડેલું હતું. 8છેલ્લે બીજો શિષ્ય જે કબરે પહેલો પહોંચ્યો હતો, તે પણ અંદર ગયો, તેણે જોયું, અને વિશ્વાસ કયોઁ. 9તેઓ હજી પણ શાસ્ત્રમાંથી સમજી ન શક્યા કે, ઈસુએ મૃત્યુમાંથી સજીવન થવાનું હતું. 10પછી શિષ્યો જયાં રહેતાં હતાં ત્યાં પાછા ગયા.

મગ્દલાની મરિયમને ઈસુનું દર્શન

11હવે મરિયમ મગ્દલા કબરની બહાર રડતી ઊભી હતી. રડતાં રડતાં તેણે નીચે નમીને કબરમાં જોયું. 12ઈસુનું શબ જે જગ્યામાં મૂકવામાં આવ્યું હતું, ત્યાં સફેદ વસ્ત્ર પહેરેલાં બે દૂતોને એકને માથા બાજુ અને બીજાને પગ બાજુ બેઠેલા જોયા.

13તેઓએ તેને પૂછયું, “બાઈ તું કેમ રડે છે?” તેણે કહ્યું, “મારા પ્રભુને તેઓ લઈ ગયા છે અને તેમને કયાં મૂક્યાં છે તેની મને ખબર નથી.”

14એમ કહીને તેણે પાછળ ફરીને જોયું તો ત્યાં ઈસુ ઊભેલા હતા પણ તે સમજી ન શકી કે તે ઈસુ છે.

15તેમણે તેને પૂછયું, “બાઈ તું કેમ રડે છે? તું કોને શોધે છે?” તેમને માળી સમજીને તે બોલી, “સાહેબ જો તમે તેમને લઈ ગયા હો, તો મને કહો કે તેમને કયાં મૂક્યાં છે, એટલે હું તેમને લઈ જઈશ.”

16ઈસુએ તેને કહ્યું, “મરિયમ!” તે તેમની તરફ ફરી અને અરામીક ભાષામાં બૂમ પાડી, “રાબ્બોની!” (એટલે “ગુરુજી”).

17ઈસુએ કહ્યું, “હજુ હું પિતા પાસે ચઢી ગયો નથી, માટે મને અડકીશ નહિ, પરંતુ મારા ભાઈઓ પાસે જા અને તેઓને કહે કે, ‘હું મારા પિતા અને તમારાં પિતા, મારા ઈશ્વર અને તમારાં ઈશ્વર પાસે ઉપર ચઢી જાઉં છું.’ ”

18મરિયમ માગદાલેણ આ સમાચાર લઇને શિષ્યો પાસે ગઇ: “મેં પ્રભુને જોયા છે.” અને તેણે તેમને કહ્યું તેમણે આ વાતો તેને કહી હતી.

ઈસુનું તેમના શિષ્યોને દશઁન

19અઠવાડિયાને પહેલે દિવસે સાંજે જયારે શિષ્યો યહૂદીઓનાં આગેવાનોના ડરના લીધે બારણાં બંધ કરીને ભેગા મળ્યાં હતા, ત્યારે ઈસુ તેમની મધ્યે આવીને ઊભા રહ્યા અને કહ્યું, “તમને શાંતિ થાઓ.” 20આમ કહીને તેમણે કહ્યું, તેમણે તેઓને પોતાના હાથ તથા કૂખ બતાવ્યાં. જયારે તેઓએ પ્રભુને જોયા ત્યારે શિષ્યો આનંદ પામ્યા.

21ફરીથી ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ. જેમ પિતાએ મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું.” 22અને તે સાથે તેઓના પર શ્વાસ નાંખીને કહ્યું, “પવિત્ર આત્મા પામો. 23જો તમે કોઈનાં પાપ માફ કરશો, તો તેમના પાપ માફ થાય છે; જો તમે તેમને માફ ના કરો, તો તેમના પાપ માફ થતા નથી.”

થોમાને ઈસુનું દર્શન

24હવે જયારે ઈસુ આવ્યા, ત્યારે થોમા, બારમાનો એક (જે દીદીમસ કહેવાતો હતો), તે તેઓની સાથે નહોતો. 25તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું, “અમે પ્રભુને જોયા છે.” પણ તેણે તેઓને કહ્યું, “જયાં સુધી હું તેમના હાથ પર ખીલાના ઘા જોઉં નહિ, અને મારી આંગળી ખિલ્લા વાળી જગ્યાએ ન નાંખું નહિ અને તેમની કૂખમાં મારો હાથ ન નાખું, ત્યાં સુધી હું વિશ્વાસ કરવાનો નથી.”

26એક અઠવાડિયા પછી ફરી એક વાર શિષ્યો ઘરમાં એકઠા મળ્યાં. અને થોમા પણ તેમની સાથે હતો. જો કે બારણાં બંધ હતાં, ઈસુ તેઓની મધ્યે આવી ઊભા રહ્યા અને બોલ્યાં, “તમને શાંતિ થાઓ.” 27પછી તેમણે થોમાને કહ્યું, “તારી આંગળી અહીં નાંખ અને મારા હાથ જો, તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ઘાલ; સંદેહ ન રાખ, અને વિશ્વાસ કર.”

28થોમાએ તેમને કહ્યું, “મારા પ્રભુ! અને મારા ઈશ્વર!”

29ત્યારે ઈસુએ તેને કહ્યું, “કેમકે તે મને જોયો છે માટે તેં વિશ્વાસ કર્યો છે, પરંતુ જેઓએ જોયા વગર વિશ્વાસ કયોઁ છે તેઓને ધન્ય છે.”

યોહાનની સુસમાચારનો હેતુ

30ઈસુએ પોતાના શિષ્યોની હાજરીમાં બીજા ઘણાં ચમત્કારો કયાઁ, જે આ પુસ્તકમાં નોંધેલા નથી. 31પણ આ એટલા માટે લખવામાં આવ્યું છે કે, ઈસુ તે જ મસીહ, ઈશ્વરપુત્ર છે એવો વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]