Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Romans 12 guj

Side by side with the Father's Heart Bible™

ઈશ્વરની સેવામાં જીવન

1તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, ઈશ્વરની દયા પ્રાપ્ત કરવા તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવું, અર્પણ કરો; તે તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. 2આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે પરિવર્તન પામો, જેથી ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે જાણી શકો.

શરીર એક: અવયવો ઘણાં

3વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે, પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો; પણ જે પ્રમાણે ઈશ્વરે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે, તેના પ્રમાણમાં દરેકે પોતાને યોગ્ય ગણવો.

4કેમ કે જેમ આપણા શરીરનાં ઘણાં અંગો છે અને તેઓને બધાને એક જ કામ કરવાનું હોતું નથી; 5તેમ આપણે ઘણાં હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ અને અરસપરસ એકબીજાનાં અંગો છીએ.

6આપણને જે કૃપા આપવામાં આવી છે, તે પ્રમાણે આપણને જુદાં જુદાં કૃપાદાન મળ્યાં છે; તેથી જો બોધ કરવાનું [કૃપાદાન મળ્યું હોય], તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે બોધ કરવો; 7અથવા જો સેવાનું, તો સેવામાં લાગુ રહેવું; વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં લાગુ રહેવું; 8જે સુબોધ કરનાર, તેણે સુબોધ કરવામાં વ્યસ્ત રહેવું; જે દાન આપે છે, તેણે ઉદારતાથી આપવું; જે અધિકારી છે, તેણે ખંતથી અધિકાર ચલાવવો; અને જે દયા રાખે છે તેણે હર્ખથી દયા રાખવી.

ખ્રિસ્તી જીવનનાં નિયમ

9તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. જે ખરાબ છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો. 10ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.

11ઉદ્યોગમાં આળસુ ન થાઓ; આત્મામાં ઉત્સાહી થાઓ; પ્રભુની સેવા કરો; 12આશામાં આનંદ કરો; સંકટમાં ધીરજ રાખો; પ્રાર્થનામાં લાગુ રહો; 13સંતોની જરૂરિયાતો પૂરી પાડો; પરોણાગત કરવામાં તત્પર રહો;

14તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ જ આપો અને શ્રાપ આપતા નહિ. 15આનંદ કરનારાઓની સાથે આનંદ કરો; રડનારાઓની સાથે રડો. 16અરસપરસ એક મનના થાઓ; તમારું મન મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દીનોની કાળજી રાખો. તમે પોતાને બુદ્ધિમાન ન સમજો.

17દુષ્ટતાની સામે દુષ્ટતા ન આચરો. બધા માણસોની નજરમાં જે શોભે છે, તે કરવાને કાળજી રાખો. 18જો શક્ય હોય, તો ગમે તેમ કરીને બધાં માણસોની સાથે હળીમળીને રહો.

19ઓ વહાલાંઓ, તમે સામું વૈર ન વાળો, પણ ઈશ્વરના કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે કે, પ્રભુ કહે છે કે, 'વૈર વાળવું એ મારું કામ છે; હું બદલો લઈશ.' 20પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને પાણી પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ. 21દુષ્ટતાથી તું હારી ન જા, પણ ભલાઈથી દુષ્ટતાનો પરાજય કર.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]