Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Matthew 28 guj

Side by side with the Father's Heart Bible™

ઈસુ સજીવન થયા

1વિશ્રામવારની આખરે અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી. 2ત્યારે જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો સ્વર્ગદૂત આકાશથી ઊતર્યો, અને પાસે આવીને કબર પર પથ્થરને ગબડાવીને તે પર બેઠો.

3તેનું રૂપ વીજળી જેવું, તેનું વસ્ત્ર બરફના જેવું ઊજળું હતું. 4તેની ધાકથી ચોકીદારો ધ્રૂજી ગયા અને મરણતોલ થઈ ગયા.

5ત્યારે સ્વર્ગદૂતે ઉત્તર દેતાં તે સ્ત્રીઓને કહ્યું, તમે બીશો નહિ, કેમ કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો, એ હું જાણું છું. 6જુઓ ઈસુ અહીં નથી, કેમ કે તેમણે જેમ કહ્યું હતું તેમ તે સજીવન થયા છે, તમે આવો, જ્યાં પ્રભુ સૂતા હતા તે જગ્યા જુઓ. 7વહેલા જઈને તેમના શિષ્યોને કહો કે, મૃત્યુમાંથી તે સજીવન થયા છે. જુઓ, તે તમારા અગાઉ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને દેખશો; જુઓ મેં તમને કહ્યું છે.

8ત્યારે તેઓ ભય તથા ઘણાં હર્ષસહિત, કબરની પાસેથી વહેલા નીકળીને તેમના શિષ્યોને ખબર આપવાને દોડી. 9ત્યારે જુઓ, ઈસુએ તેઓને મળીને કહ્યું કે, 'કુશળતા.' તેઓએ પાસે આવીને તેમના પગ પકડ્યા, અને તેમનું ભજન કર્યું. 10ઈસુ તેઓને કહે છે, 'બીશો નહિ,' જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય અને ત્યાં તેઓ મને દેખશે.

યહૂદી આગેવાનોનું જૂઠાણું

11તેઓ જતી હતી, ત્યારે જુઓ, ચોકીદારોમાંના કેટલાકે નગરમાં જઈને જે જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહ્યું. 12તેઓએ તથા વડીલોએ એકઠા થઈને સંકલ્પ કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને 13સમજાવ્યું કે, તમે એમ કહો કે, 'અમે ઊંઘતા હતા એટલામાં તેમના શિષ્યો રાત્રે આવીને તેમને ચોરી ગયા.'

14જો એ વાત રાજ્યપાલને કાને પહોંચશે, તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.' 15પછી તેઓએ નાણાં લીધાં અને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું; એ વાત યહૂદીઓમાં આજ સુધી ચાલે છે.

ઈસુ શિષ્યોને દર્શન આપે છે અને છેલ્લી આજ્ઞા આપે છે

16પણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને [જવાનું] કહ્યું હતું, ત્યાં ગયા. 17તેઓએ તેમને જોઈને તેમનું ભજન કર્યું, પણ કેટલાકને સંદેહ આવ્યો.

18ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, 'સ્વર્ગ તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે.' 19એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.

20મેં તમને જે જે આજ્ઞા આપી તે સર્વ પાળવાનું તેઓને શીખવવું; અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.'

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]