Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Matthew 1 guj

Side by side with the Father's Heart Bible™

ઈસુ ખ્રિસ્તની વંશાવળી

1ઈસુ ખ્રિસ્ત જે દાઉદના દીકરા, જે ઇબ્રાહિમનાં દીકરા, તેમની વંશાવળી. 2ઇબ્રાહિમ ઇસહાકનો પિતા, ઇસહાક યાકૂબનો પિતા, યાકૂબ યહૂદા તથા તેના ભાઈઓનો પિતા; 3યહૂદા તથા તામાર, પેરેસ તથા ઝેરાનાં માતાપિતા હતાં, પેરેસ હેસ્રોનનો પિતા, હેસ્રોન આરામનો પિતા.

4આરામ અમિનાદાબનો પિતા, અમિનાદાબ નાહશોનનો પિતા, નાહશોન સલ્મોનનો પિતા; 5સલ્મોન બોઆઝનો પિતા અને રાહાબ તેની માતા; બોઆઝ ઓબેદનો પિતા અને રૂથ તેની માતા; ઓબેદ યિશાઈનો પિતા; 6યિશાઈ રાજા દાઉદનો પિતા હતો. દાઉદ સુલેમાન કે જેની મા ઉરિયાની પત્ની હતી તેનો પિતા;

7અને સુલેમાન રહાબામનો પિતા, રહાબામ અબિયાનો પિતા, અબિયા આસાનો પિતા; 8આસા યહોશાફાટનો પિતા, યહોશાફાટ યોરામનો પિતા, યોરામ ઉઝિયાનો પિતા;

9ઉઝિયા યોથામનો પિતા, યોથામ આહાઝનો પિતા, આહાઝ હિઝકિયાનો પિતા; 10હિઝકિયા મનાશ્શાનો પિતા; મનાશ્શા આમોનનો પિતા, આમોન યોશિયાનો પિતા; 11બાબિલના બંદીવાસને સમયે યોશિયા યખોન્યા તથા તેના ભાઈઓનો પિતા.

12અને બાબિલના બંદીવાસ પછી, યખોન્યા શાલ્તીએલનો પિતા, શાલ્તીએલ ઝરુબ્બાબેલનો પિતા; 13ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા, અબીઉદ એલિયાકીમનો પિતા, એલિયાકીમ આઝોરનો પિતા; 14આઝોર સાદોકનો પિતા, સાદોક આખીમનો પિતા, આખીમ અલિયુદનો પિતા;

15અલિયુદ એલાઝારનો પિતા, એલાઝાર મથ્થાનનો પિતા, મથ્થાન યાકૂબનો પિતા; 16યાકૂબ યૂસફનો પિતા, યૂસફ જે મરિયમનો પતિ હતો; અને મરિયમથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જનમ્યાં. 17માટે ઇબ્રાહિમથી દાઉદ સુધી બધી મળીને ચૌદ પેઢી થઈ, દાઉદથી બાબિલના બંદીવાસ સુધી ચૌદ પેઢી, બાબિલના બંદીવાસથી ખ્રિસ્તનાં સમય સુધી ચૌદ પેઢી થઈ.

ઈસુ ખ્રિસ્તનો જન્મ

18ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. તેમની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થયા પછી, તેઓનો શારીરિક સંબંધ થયા અગાઉ તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાઈ. 19તેનો પતિ યૂસફ ન્યાયી માણસ હતો, જેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા, તેને ગુપ્ત રીતે છોડી દેવાનો વિચાર કર્યો.

20જયારે તે એ બાબત વિશે વિચારતો હતો, ત્યારે પ્રભુના સ્વર્ગદૂતે તેને સ્વપ્નમાં કહ્યું કે, "ઓ યૂસફ, દાઉદના દીકરા, તું તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીશ નહિ; કેમ કે તેના ગર્ભમાં જે બાળક છે તે પવિત્ર આત્માથી છે. 21તેને દીકરો થશે અને તું તેમનું નામ ઈસુ પાડશે; કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી ઉદ્ધાર કરશે."

22હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય, એટલે, 23"જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, 'ઈશ્વર આપણી સાથે.'"

24ત્યારે યૂસફે ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના સ્વર્ગદૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. તે પોતાની પત્નીને તેડી લાવ્યો. 25મરિયમને દીકરો થયો ત્યાં સુધી યૂસફે મરિયમની સાથે શારીરિક સંબંધ કર્યો નહિ; અને તેણે દીકરાનું નામ ઈસુ પાડ્યું.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]