Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Exodus 30 guj

Side by side with the Father's Heart Bible™

1ધૂપ બાળવા માટે તારે બાવળના લાકડાની એક વેદી બનાવવી. 2આ વેદી એક હાથ લાંબી, એક હાથ પહોળી અને બે હાથ ઊંચી હોય. તેનાં લાકડામાંથી જ કોતરીને તેના શિંગ બનાવવાં. શિંગ જુદાં બનાવીને વેદી પર જોડવાં નહિ. તે શિંગ વેદી સાથે સળંગ હોય.

3વેદીનો ઉપરનો ભાગ, બાજુઓ અને શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવાં અને આખી વેદીની ચારે બાજુ સોનાની કિનારી બનાવવી. 4એની બે સામસામી બાજુઓએ કિનારીની નીચે ઉપાડવાના દાંડા ભેરવવા માટે સોનાનાં બબ્બે કડાં મૂકવાં.

5એ બે દાંડા બાવળના લાકડાના બનાવવા અને સોનાથી મઢાવવા. 6દશ આજ્ઞાઓ જેમાં મૂકી છે તે સાક્ષ્યકોશ આગળના પડદા સામે એ વેદી મૂકવી. ત્યાં હું તેઓને દર્શન આપીશ.

7એ વેદી પર પ્રતિદિન સવારે બત્તી તૈયાર કરતી વખતે હારુને સુગંધી ધૂપ બાળવો. 8અને રોજ સાંજે તે બત્તીઓ પ્રગટાવે ત્યારે યહોવાહની સંમુખ ધૂપ બાળવો. તારે પેઢી દર પેઢી કાયમ યહોવા સમક્ષ ધૂપ બાળવો. 9તારે એ વેદી પર અન્ય ધૂપ બાળવો નહિ કે દહનીયાર્પણ, ખાદ્યાર્પણ કે પેયાર્પણ ચઢાવવાં નહિ.

10વર્ષમાં એક વાર હારુને પ્રાયશ્ચિતને માટે પાપાર્થાર્પણનું રક્ત લઈને શિંગ ઉપર લગાડી વેદીને પવિત્ર કરવાની છે. પેઢી દર પેઢી નિયમિત રીતે આ વાર્ષિક વિધિનું પાલન કરવું, કારણ કે આ વેદી યહોવાહની પરમપવિત્ર વેદી છે.

11યહોવાહે મૂસાને કહ્યું, 12"તું જ્યારે ઇઝરાયલીઓની વસ્તીગણતરી કરે ત્યારે જે પુરુષોનું નામ નોંધાય તેણે જ પોતાના જીવનાં બદલામાં યહોવા સમક્ષ ખંડણી ભરવી, જેથી તું ગણતરી કરે ત્યારે લોકો પર કોઈ આફત ન આવે. 13વસ્તીગણતરીમાં નોંધાયેલા બધા માણસોએ યહોવાહને અડધો શેકેલ અર્પણ તરીકે આપવો. 14વસ્તીગણતરીમાં નોંધાયેલા વીસ વર્ષના કે તેથી વધુ ઉંમરના દરેક માણસે આ પ્રમાણે અર્પણ કરવું.

15મને તમારા જીવનના બદલામાં આ અર્પણ આપતી વખતે ધનવાને વધારે કે ગરીબે ઓછું આપવાનું નથી. 16ઇઝરાયલીઓ પાસેથી મળેલાં જીવના બદલામાં અર્પણ કરેલાં પ્રાયશ્ચિતનાં નાણાં મુલાકાતમંડપની સેવામાં ખર્ચવાં. આ અર્પણ ઇઝરાયલી લોકોને માટે યહોવાહની સમક્ષતામાં સ્મરણરૂપ થશે."

17યહોવાહે મૂસાને કહ્યું, 18"હાથપગ ધોવા તારે પિત્તળના તળિયાવાળી પિત્તળની કૂડી બનાવવી. અને તેને વેદી અને મુલાકાતમંડપની વચ્ચે મૂકીને તેમાં પાણી ભરવું.

19હારુને અને તેના પુત્રોએ હાથપગ ધોવામાં એ પાણીનો ઉપયોગ કરવો. 20જો તેમણે એ પાણીથી હાથપગ ધોયા હશે તો તેઓ મુલાકાતમંડપમાં સેવા કરવા જશે અથવા અર્પણ ચઢાવવા વેદી પાસે જશે ત્યારે તેઓ મૃત્યુ પામશે નહિ. 21તેઓ મૃત્યુ ન પામે તેટલાં માટે તેઓએ અચૂક હાથપગ ધોવા. આ કાનૂન તેમણે અને તેમના વંશજોએ પેઢી દર પેઢી પાળવાનો રહેશે. હારુન અને તેના પુત્રો માટે આ સૂચનાઓ છે."

22યહોવાહે મૂસાને કહ્યું, 23"તારે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી સુગંધીઓ લેવી, એટલે પાંચસો શેકેલ ચોખ્ખો બોળ, અઢીસો શેકેલ સુગંધીદાર તજ, અઢીસો સુગંધીદાર બરુ, 24પાંચસો શેકેલ દાલચીની એ બધું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે લેવું. વળી જૈતૂનનું એક કેન તેલ લેવું. 25નિષ્ણાત સુગંધીઓ બનાવનારાઓ પાસે આ સર્વ પદાર્થોનું મિશ્રણ કરીને અભિષેકનું તેલ તૈયાર કરાવવું.

26અભિષેકના તેલથી તું મુલાકાતમંડપને, કરારકોશને, 27બાજઠ તથા તેની બધી સામગ્રીઓને, દીવીને અને તેનાં સાધનોને, ધૂપની વેદીને, 28દહનીયાર્પણની વેદીને અને તેનાં સાધનોને તથા ઘોડી સહિત હાથપગ ધોવાની કૂંડીને અભિષેક કરજે.

29આ પ્રમાણે આ બધી વસ્તુઓ પવિત્ર કર એટલે તે બધી પરમપવિત્ર બની જશે. અને જે કોઈ તેમને સ્પર્શ કરશે તે પવિત્ર થશે. 30ત્યાર પછી તારે હારુનને અને તેના પુત્રોનો અભિષેક કરીને મારા યાજકો તરીકે તેઓને પવિત્ર કર. 31તારે ઇઝરાયલીઓને કહેવું, 'તમારે પેઢી દર પેઢી આ મારે માટે અભિષેકનું તેલ થાય.

32તે માણસોના શરીરે ન લગાડાય અને તેના જેવું બીજું તેલ તમારે બનાવવું નહિ, કેમ કે એ પવિત્ર તેલ છે અને તમારે માટે એ પવિત્ર ગણાશે. 33જે કોઈ આ સુગંધીઓનું મિશ્રણ કરી આવું તેલ બનાવે અથવા જે યાજક નથી તેવી કોઈ વ્યક્તિ ઉપર તે રેડે, તેને તેના સમાજમાંથી જુદો કરવામાં આવે.'"

34યહોવાહે મૂસાને કહ્યું, "તારે મિષ્ટ સુગંધીઓ વાપરવી નાટાફ, શહેલેથ, હેલ્બના અને શુદ્ધ લોબાન પ્રત્યેકને સરખે ભાગે લેવાં. 35તેના મિશ્રણમાંથી સુગંધી ધૂપ બનાવવો. આ ધૂપ નિષ્ણાત કારીગર બનાવતો હોય તે રીતે બનાવવો. એ ધૂપને શુદ્ધ અને પવિત્ર રાખવા તેમાં મીઠું મેળવવું. 36એમાંથી થોડો ભાગ ઝીણો ખાંડીને તેનો ઉપયોગ મુલાકાતમંડપમાં કરારકોશ આગળ, જયાં હું તને દર્શન આપવાનો છું ત્યાં કરવો. તમારે આ ધૂપને અત્યંત પવિત્ર માનવો.

37આ વિધિ પ્રમાણેનો જ ધૂપ બને તેવી બનાવટનો ધૂપ તમે તમારા પોતાના ઉપયોગ માટે બનાવશો નહિ. તમારે તો તેને પવિત્રવસ્તુ જ ગણવી. 38તેના જેવો ધૂપ જે કોઈ સૂંઘવાને માટે બનાવે, તેને તેના સમાજમાંથી અલગ કરવામાં આવે."

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]